
વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા સસ્ટેનેબિલિટી વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સસ્ટેનેબિલિટી વીક થીમ – "સર્કલ ઓફ લાઈફ: ક્લોઝિંગ ધ લૂપ" છે, જેનો ઉદ્દેશ સર્ક્યુલર ઈકોનોમિના સિદ્ધાંતો અંગે લોકો જાગૃતિ લાવવાનો છે.
આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણની જાગૃતિ, લોકભાગીદારી અને ટકાઉ વિકાસ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. સસ્ટેનેબિલિટી વીકના મુખ્ય આકર્ષણરૂપે, સુંવાલી બીચ ખાતે એક સ્વચ્છતા અભિયાન ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી યોજાયું હતું. આ કાર્યક્રમમાં માનનીય રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.
મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે, "પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપલક્ષ્યમાં બીચ ક્લિનિંગ એક્ટિવિટીનું આયોજન અભિનંદનને પાત્ર છે. સુંવાલી બીચ આસપાસના ગ્રામજનો માટે આજીવિકા રળવાનું સ્થળ અને સહેલાણીઓની દ્રષ્ટિએ મહત્વનું કેન્દ્ર છે, ત્યારે આ કાર્યક્રમ
પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાને લઈને લોક જાગૃતિ ફેલાવવામાં વધુ મદદરૂપ બનશે." સસ્ટેનેબિલિટી વીક દરમિયાન હજીરા ગામમાં બાળકો માટે પ્લાસ્ટિક કચરો ભેગો કરવાનો અભિયાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉપરાંત પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પોસ્ટર સ્પર્ધા, પર્યાવરણ વિષયક નાટક સ્પર્ધા તથા વિવિધ તાલીમ સત્રોનું પણ આયોજન કરાયું હતું.