Home / India : Doctors should prescribe only generic medicines, not branded drugs: Supreme Court

ડોક્ટરોએ બ્રાન્ડેડ દવાઓ નહીં, ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

ડોક્ટરોએ બ્રાન્ડેડ દવાઓ નહીં, ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

Supreme Court News | સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડૉક્ટરોને કોઈપણ વિશેષ બ્રાન્ડની કંપનીની દવાઓ નહીં લખવા માટે સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં મૌખિક ટિપ્પણી કરી કે ડૉક્ટરો માટે જેનેરિક દવાઓ જ લખવાનો કાયદાકીય આદેશ હોય તો દવા કંપનીઓ દ્વારા ડૉક્ટરોને વધુ પડતી અથવા તર્કહીન દવાઓ લખવા માટે કથિત રીતે લાંચ આપવા અને ઊંચી કિંમતની બ્રાન્ડની દવાઓ પર ભાર મૂકવાનો મુદ્દાનો ઉકેલ આવી જશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ન્યાયાધીશો વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મહેતાની ખંડ પીઠે એક અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં દવા કંપનીઓ પર મનમાની કરવાનો આરોપ મૂકાયો હતો. એવામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સમગ્ર દેશમાં દવા કંપનીઓને માત્ર જેનેરિક દવાઓ જ લખવાનું ફરજિયાત કરાવાય તો તેનાથી નોંધપાત્ર સુધારા થઈ શકે છે. 

મોંઘી બ્રાન્ડની દવાઓને આગળ વધારવા માટે લાંચ
અરજીમાં જણાવાયું હતું કે, દવા કંપનીઓ ડૉક્ટરોનો વેપાર લેવા માટે અને વધુ પડતી અથવા તર્કહીન દવાઓ લખવા અને ઊંચી કિંમતની અથવા મોંઘી બ્રાન્ડની દવાઓને આગળ વધારવા માટે લાંચ આપી રહી છે. 

આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ પાસે એવા નિર્દેશ આપવાની માગ કરાઈ છે કે જ્યાં સુધી ફાર્માસ્યુટિકલ માર્કેટિંગની સમાન સંહિતાને કાયદાકીય રૂપ આપવામાં આવે નહીં ત્યાં સુધી ન્યાયતંત્ર દવા કંપનીઓ દ્વારા ગેરકાયદે માર્કેટિંગ પ્રથાઓને નિયંત્રિત અને નિયમન કરવા માટે દિશા-નિર્દેશ નિર્ધારિત કરી શકે છે.અરજીમાં જણાવાયું હતું કે, વૈકલ્પિકરૂપે સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તેવા ફેરફારો-ઉમેરા સાથે વર્તમાન કાયદાને બંધનકારક બનાવે, જેનું પાલન બંધારણની કલમ 32 , 141, 142 અને 144 હેઠળ તમામ સત્તાવાળા-કોર્ટો દ્વારા કરવામાં આવે. આ મામલે કેન્દ્ર સરકારને માર્ચ 2022માં નોટિસ પાઠવવામાં આવી હતી.

માત્ર જેનેરિક દવાઓ જ લખવી
શરૂઆતમાં સુપ્રીમે કહ્યું કે, આ મામલામાં કેટલોક સમય લાગી શકે છે તેથી તેને વેકેશન પછી સુનાવણી માટે રાખશે. જોકે, અરજદારના વકીલે સુપ્રીમને જણાવ્યું કે, સામેના પક્ષે જવાબી સોગંદનામા દાખલ કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ નિયુક્ત કરવામાં આવી છે. જોકે, સમિતિએ ભલામણ તરીકે કયા સૂચનો કર્યા છે તે અંગે રેકોર્ડ પર કશું જ જણાવાયું નથી. આ સમયે ન્યાયાધિશ મહેતાએ સવાલ કર્યો કે કોઈ કાયદાકીય આદેશ છે કે ડૉક્ટરોએ કોઈ વિશેષ બ્રાન્ડ અથવા વિશેષ કંપનીની દવાના બદલે માત્ર જેનેરિક દવાઓ જ લખવી જોઈએ. વકીલે જવાબ આપ્યો કે કોઈ કાયદાકીય જનાદેશ નથી. માત્ર એક સ્વૈચ્છિક કોડ છે કે ડૉક્ટરોએ જેનેરિક દવાઓ લખવી જોઈએ. આ સંદર્ભમાં અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે આવો એક ચૂકાદો આપ્યો છે. સુપ્રીમે આ કેસમાં આગામી સુનાવણી 24  જુલાઈ પર મુલતવી રાખી છે.

 

Related News

Icon