
Mehsana News: બેંક દ્વારા ગોલ્ડ લોન માટે પોતાના ત્યાં સોનાના નિષ્ણાત એવા વેલ્યુઅરોને મોટા પગાર ઉપર બેન્કમાં નોકરી ઉપર રાખવામાં આવે છે. આ જ પ્રકારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા મેડા આદરજ ગામની બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાં જુલાઈ 2023માં મૌલિન સોની નામક સોનાના નિષ્ણાતને બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો.
લગભગ એક વર્ષ સુધી મેડા આદરજ બેંકમાં વેલ્યુઅર તરીકે ફરજ બજાવનાર વેલ્યુઅર મૌલિન સોનીએ પોતાના જ મળતીયાઓ સાથે મળી બેન્ક ઓફ ઇન્ડિયાની ગોલ્ડ લોનમાં કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. મૌલિન સોની પોતાના મળતીયા જે ખોટું સોનું લાવતા એને વેલ્યુઅર તરીકે વેલ્યુએશન સર્ટિફિકેટ આપતો અને બેંક તે સોના ઉપર ગોલ્ડ લોન આપતી.. ઘણા લાંબા સમયથી ચાલતા આ કારસાનો આખરે પર્દાફાશ થયો અને બેંક દ્વારા થયેલી પ્રાથમિક તપાસમાં ખોટા સોના ઉપર લોન અપાઈ હોવાનું સામે આવ્યું હતું.
જેમાં વેલ્યુઅર મૌલિન સોનીએ 37 જેટલા ગ્રાહકો સાથે મળી ખોટા સોના ઉપર 4,54,78,914 કરોડની લોન મેળવી બેંક સાથે છેતરપીંડી કરી હોવાનું સામે આવતા ગુનો નોધાયો છે. ગાંધીનગર બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર સંજીવ સક્સેનાએ વેલ્યુઅર મૌલિન સોની ઉપર 37 ગ્રાહકો સહિત કુલ 38 આરોપીઓ સામે બાવલું પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધી છે. જેથી બાવલું પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.