Home / Gujarat / Gandhinagar : Congress demands SIT probe and minister's resignation over MNREGA and Nal se Jal scam

Gandhinagar news: મનરેગા અને નલ સે જલ કૌભાંડને લઈ કોંગ્રેસે  SIT તપાસ અને મંત્રીના રાજીનામાની કરી માંગ

Gandhinagar news: મનરેગા અને નલ સે જલ કૌભાંડને લઈ કોંગ્રેસે  SIT તપાસ અને મંત્રીના રાજીનામાની કરી માંગ

Manrega Nal Se Jal Scam: ગુજરાતમાં મનરેગા (MGNREGA) અને 'નલ સે જલ' (Har Ghar Jal) યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ કૌભાંડોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોની વિશેષ તપાસ સમિતિ (SIT) બનાવવાની, કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે SITની રચના કરવા માંગ
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને કરેલી અપીલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મનરેગા યોજનાના અનિયમિત ખર્ચ અને સંભવિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે રાજ્યસ્તરીય SITની રચના કરવી અનિવાર્ય છે. તેમણે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અંગે પણ રાજ્યપાલ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે.

તાલુકાવાર 100 કરોડથી વધુની ગેરવહીવટની આશંકા
આવેદનપત્રમાં કોંગ્રેસે તાલુકાવાર ઘટનાઓમાં રૂ. 100 કરોડથી વધુની ગેરવહીવટની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને, ડાંગ, પંચમહાલ, ધાનપુર અને પાવાગઢ જેવા વિસ્તારોમાં દ્રષ્ટિગત વિસંગતતાઓ હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર આ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે વારંવાર અરજીઓ, પ્રશ્નોતરી અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં પણ રૂ. 100 કરોડ કરતાં વધુના ભ્રષ્ટાચારની પુરાવા સહિતની ફરિયાદો હોવા છતાં તેના પર કોઈ કાર્યવાહી ન થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, અને રાજ્યપાલને આ મામલે કડક સૂચના આપવા વિનંતી કરી છે.

કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાંની માંગ
આવેદનપત્રમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર સહિત ફતેપુરા, સીંગવડ અને ઝાલોદ જેવા તાલુકાઓમાં થયેલા વ્યાપક કૌભાંડની તપાસમાં અવરોધ ઉભા કરવા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી તપાસને પ્રભાવિત કરવા બદલ મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સામે કોઈ કાર્યવાહી કેમ નહીં?
કોંગ્રેસે આ મામલે ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભ્રષ્ટાચારના કેસોમાં માત્ર નિમ્ન સ્તરના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સામે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. આથી, સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારના આવા કેસોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય અધિકારવાળી SITની રચના અત્યંત જરૂરી છે.

Related News

Icon