Home / Gujarat / Gandhinagar : If MGNREGA is investigated in Gujarat, a statewide scam will be uncovered

ગુજરાતમાં મનરેગાની તપાસ થાય તો રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાય, મંત્રી ખાબડના પુત્રોને સૌથી વધુ લાભ

ગુજરાતમાં મનરેગાની તપાસ થાય તો રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાય, મંત્રી ખાબડના પુત્રોને સૌથી વધુ લાભ

મનરેગા કૌભાંડે ગુજરાત સરકારની પ્રતિષ્ઠા એટલી હદે ખરડી છે કે, રાજ્યની મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના કૃષિપ્રધાન બચુ ખાબડથી અંતર જાળવી રાખ્યુ હતું. આ કૌભાંડમાં મંત્રીપુત્રોએ જ લાખો કરોડો રૂપિયા સેરવી લીધાં છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તપાસ થાય તો મસમોટુ રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે

દાહોદ ઉપરાંત ભરૂચ જીલ્લામાં મનરેગા કૌભાંડ આચરાયુ છે.વાસ્તવમાં બે જ જિલ્લામાં થયેલાં કૌભાંડ તો હિમશીલાના ટોપકાં સમાન છે. જો ગુજરાતભરમાં મનરેગાના કામોની તપાસ કરવામાં આવે તો, મસમોટુ રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે. એટલુ જ નહીં, સમગ્ર કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચે તેમ છે.

વર્ષ 2021થી વર્ષ 2024 સુધીમાં દાહોદ જિલ્લાના દેવગઢબારિયા વિસ્તારમાં કુવા-રેઢાણાં અને ધાનપુરમાં મનરેગાના કામોમાં વ્યાપકપણે ગેરરીતી આચરવામાં આવી હતી. તપાસમાં એવી ચોંકાવનારી હકીકતો બહાર આવી છે કે, ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો નહતો. આ ઉપરાંત મટિરિયલ્સ સપ્લાય કરવા માટે અધિકૃત ન હોવા છતાંય મંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓને કામ આપી દેવાયુ હતું. માત્ર મંત્રીપુત્રો જ નહીં પણ ભ્રષ્ટ સરકારી અધિકારી અને કરાર આધારિત કર્મચારીઓના મેળાપિપણાને લીધે મનરેગા કૌભાંડ આચરાયુ હતું.

બિનઅધિકૃત એજન્સીઓને ચાર વર્ષમાં 6.16 કરોડ ચૂકવાયા

આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છે કે, મનરેગાના કામો થયાં તેની સ્થળ તપાસ કે બિલોની ચકાસણી જ કરવામાં આવી નહીં. બિનઅધિકૃત એજન્સીઓને ચાર વર્ષમાં 6.16 કરોડ ચૂકવી દેવામાં આવ્યા હતા. સૌથી વધુ લાભ મંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓને અપાયો હતો. કુવા ગામમાં માટી મેટલના રસ્તા, ચેકડેમ, આરસીસી રોડના કામો માટે 337.96 લાખ ચૂકવાયાં હતા જ્યારે રેઢાણામાં 33 કામો માટે 318 લાખ ખોટી રીતે ચૂકવી દેવાયાં હતા. એજન્સીઓના ખોટા બિલો મૂક્યા હતા જેની તપાસ કરીને નાણાં ચૂકવવાના હતાં પણ ભ્રષ્ટ અધિકારીઓએ પણ બોગસ કમ્પ્લીશન સર્ટીફિકેટ બનાવી દીધાં હતા. મંત્રી બચુ ખાબડની રાજકીય વગના આધારે પુત્રોની એજન્સીઓને કામ કર્યા વિના જ લાખો રૂપિયા ચૂકવાયાં હતા. આમ, મનરેગા કૌભાંડમા મંત્રીપુત્રો-સરકારી અધિકારીઓની મીલીભગત છે તે વાત પુરવાર થઇ છે.

સવાલ એ છે કે, ચેકડેમ હોય કે પછી માટી મેટલના રસ્તા, કામો થયાં બાદ તેની સ્થળ તપાસ પછી જ બિલો પાસ કરાય છે. કામો કર્યા વિના જ લાખો કરોડો રૂપિયા બારોબાર કેવી રીતે ચૂકવાયા તે વાત ગળે ઉતરે તેમ નથી. એવી ચર્ચા છે કે, ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓના મેળાપિપણાં સિવાય આ બધુય શક્ય નથી. જો આખાય રાજ્યમાં મનરેગાના કામોની તપાસ કરવામાં આવે તો અંદાજે એક હજાર કરોડનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

દાહોદમાં મનરેગા કૌભાંડમાં હજુ સીટની રચના થઇ નથી

દાહોદ જિલ્લાની જેમ જ ભરૂચ જિલ્લામાં પણ મનરેગાના કામોમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. વિકાસના કામો કર્યા વિના જ લાખો રૂપિયા ચાંઉ કરવામાં આવ્યાં છે ત્યારે સરકારે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસ માટે સીટની રચના કરીને તપાસને આગળ વધારી છે પણ મંત્રી બચુ ખાબડને બચાવવા સરકારે હજુ સુધી દાહોદ જીલ્લા મનરેગા કૌભાંડમાં સીટની રચના કરી નથી. એ વી ચર્ચા છે કે રાજકીય દબાણને લીધે તપાસ પર અસર પહોંચે તેમ છે.

નાની માછલીઓ પકડાશે, મોટા મગરમચ્છોની ઉની આંચ નહીં આવે

સમગ્ર કૌભાંડની જે રીતે તપાસ આગળ વધી રહી છે તે જોતાં લાગે છે કે, નાની માછલીઓ પકડાશે જ્યારે મોટા મગરમચ્છોને ઉની આંચ આવશે નહીં. કરાર આધારિત કર્મચારીઓ પર ગાજ ગરજશે અને દોષનો ટોપલો ઢોળી જવાબદાર ઉચ્ચ અધિકારીઓ છટકી જશે. દાહોદ,ભરૂચના સ્થાનિક અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરીને દેખાડો કરાશે અને સમગ્ર પ્રકરણ પર હળવેકથી ઠંડુ પાણી રેડી દેવાશે.

Related News

Icon