
Godhra news: પંચમહાલ જિલ્લાના ગોધરાના આંગળિયા ગામ નજીક કોઝ-વેમાં દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ઘટનાને પગલે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે.
ગુજરાતમાં આદિજાતિ વિસ્તારની મહિલાઓ અને બાળકોમાં કુપોષણ ન રહે તે માટે સરકારે દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ કુપોષિત બાળકો માટે લવાયેલા દૂધના પાઉચ આમ જાહેરમાં ફેંકેલી હાલતમાં મળી આવતા પ્રશ્નાર્થ સર્જાયો છે. ગોધરા તાલુકાના આંગળિયા ગામ નજીક કોઝ-વેના નાળામાં દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના ઢગલાબંધ પાઉચ મળી આવ્યા છે. જેથી પ્રાથમિક શાળાઓમાં અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે આપવામાં આવતા દૂધના પાઉચ ફેંકેલી હાલતમાં મળી આવતા સરકારી તંત્ર અને તેની કામગીરી કેવી ચાલી રહી છે તેની સામે સવાલ ઉઠયા છે.
આટલા બધાં દૂધના પાઉચ આ રીતે કોણે ફેંક્યા અને ક્યાં કારણોસર ફેંકી દેવામાં આવ્યા તે બાબતે તપાસ જરૂરી બની ગઈ છે. પીએમ મોદી અને રાજ્ય સરકારે જે તે સમયે આદિવાસી વિસ્તારોમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી આ યોજના બનાવી હતી. પરંતુ કયા કારણોસર દૂધના પાઉચ આટલી મોટી સંખ્યામાં ફેંકેલી હાલતમાં મળી આવે છે તે તંત્ર અને સરકાર માટે પણ વિચારવાનો મુદ્દો બની જાય છે.