કહેવાય છે ને કે દુનિયામાં અસંભવ હોય એ પણ સંભવ થઈ શકે. બસ આવું જ કંઈક જોવા મળ્યું જૂનાગઢના ધંધુસર ગામમાં. ગર્ભાશય ન હોવા છતાં ગાય રોજ ચારથી પાંચ લીટર દૂધ આપે છે. આવી દુર્લભ ગાયની જાણ થતાં લોકો 17.51 લાખમાં ખરીદવા લોકો માંગણી કરી છે. પરંતુ ગાય માલિક તેને ઈશ્વર કૃપા માનતા હોય તેને વેચવાની ના પાડી દીધી.
વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા પુંજાભાઈ મૂળિયાસાના ઘરે વર્ષ 2021માં એક ગાય એ બે વાછરડાંને જન્મ આપ્યો હતો. પુંજાભાઈ કહે છે કે, એમાંથી એક વાછડો શેરનાથ બાપુને દાનમાં આપી દીધો. જ્યારે વાછરડી પોતાની પાસે રાખી. સાડા ત્રણ વર્ષ પછી ગાય માંદી પડી ત્યારે પશુ ચિકિત્સકને બોલાવ્યા હતા. ડોક્ટરે નિદાન કરીને કહ્યું કે, આ ગાયને ગર્ભાશય જ નથી અને કદી બચ્ચાંને જન્મ નહીં આપી શકે. પરંતુ સાડા ત્રણ વર્ષથી ગાય સાથે મમતા હોય તેની માવજત કરતા હતા.
પુંજાભાઈ કહે છે કે, હમણાં પંદર દિવસ પહેલા ગાય બીમાર પડતાં ફરીથી ડોક્ટરને બોલાવ્યા તો તેમણે કહ્યું કે, આ ગાયના આંચળ દૂધથી ભરાઈ ગયા છે ગાયને દોહવાનું શરૂ કરો. પુંજાભાઈ આશ્ચર્ય ચકિત થયા અને કહ્યું કે, સાહેબ અગાઉ ડોક્ટર સાહેબે કહ્યુ હતું કે, ગાયના શરીરમાં ગર્ભાશય નથી. ગાય વિયાણી નથી તો દૂધ કેમ આપશે. પરંતુ ડોક્ટરના કહેવાથી તેમના પત્નીએ ગાય દોહવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં ગાય એક લીટર દૂધ આપતી હતી. હાલમાં દોઢથી બે લીટર દૂધ આપવા લાગી છે. ખૂબ પ્રેમાળ અને કહ્યાગરી ગાય સૌ કોઈને પ્રેમથી હાથ ફેરવવા પણ દે છે. ગાયનું આ દૂધ શિવલિંગને ચડાવ્યા બાદ ઘરમાં જ વપરાશમાં લઈ રહ્યા છે.
ભાગ્યે જ જોવા મળતી સમગ્ર ઘટના અંગે વંથલી તાલુકાના સરકારી પશુ દવાખાનાના તબીબ ડો. મેહુલ ચોથાણીએ કહ્યું કે, પુખ્ત ગાય 2થી 2.5 વર્ષમાં ગર્ભવતી બનતી હોય છે પરતું આ કિસ્સો અનોખો છે. જેમાં ગાય વિયાણી ન હોવા છતાં હોર્મોન્સ ચેન્જ થવાને પગલે ગાય દૂધ આપી રહી છે. આ ગાયમાં શરીરમાં ગર્ભાશય ન હોવા છતાં સાયકોલોજિકલ સ્થિતિને કારણે આવું બની શકે. આવી ગાય ભાગ્યેજ જોવા મળે છે.
કુદરતની કમાલ ગણો કે ભગવાનની મહેર. આ ગાય હાલ ખેડૂત માટે સાચા અર્થમાં કામધેનુ સાબિત થઈ રહી છે. આ ગાય વિયાણી ન હોવા છતાં દૂધ રૂપી અમૃત આપી રહી છે.