
મોબાઈલ, લેપટોપ અને અન્ય સ્માર્ટ ગેજેટ્સ આજકાલ આપણી જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગયા છે. આજે અભ્યાસથી માંડીને મનોરંજન સુધી આપણે મોટાભાગે આ ગેજેટ્સ પર જ નિર્ભર થઈ ગયા છીએ. હકીકતે, આ સ્ક્રીન દ્વારા આંખોને કેટલું નુકસાન થાય છે તેનો અંદાજ આપણે નથી લગાવી શકતા. જો તમને આંખોમાં બળતરા થાય, આંખો થાકેલી લાગતી હોય, અથવા ગમે ત્યારે અચાનક આંખોમાં ઝાંખપ આવી જતી હોય, તો તેનું કારણ મોબાઈલ કે લેપટોપ અથવા કમ્પ્યૂટરનો અતિશય ઉપયોગ હોઈ શકે છે.
બ્લૂલાઈટ: આંખો માટે સૌથી મોટો દુશ્મન
ફોન, લેપટોપ, ટીવી, કમ્પ્યૂટર જેવી ડિજિટલ સ્ક્રીનમાંથી બ્લૂ લાઈટ નીકળે છે. આ એવો પ્રકાશ છે જે આપણી આંખોમાં જવાની સાથે રેટિનાને નબળી પાડે છે. આપણે જ્યારે લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોઈ રહ્યા હોઈએ ત્યારે આંખોને વધારે મહેનત કરવી પડે છે અને તેના કારણે આંખો થાકી જાય છે. લાંબા સમય સુધી બ્લૂ લાઈટના સંપર્કમાં રહેવાના કારણે આંખોના કોષને નુકસાન થાય છે, જેના ગંભીર પરિણામો થઈ શકે છે. કેટલાક કિસ્સામાં દૃષ્ટિ ગુમાવવાની સ્થિતિ પણ આવી શકે છે.
લોકોની ઉંઘ ઓછી થઈ રહી છે, કેટલાકને તો આવતી જ નથી!
જાણકારોના મતે, આપણે સતત મોબાઈલ, લેપટોપ કે ટેબલેટમાં જોતા રહીએ છીએ, જેના કારણે આંખની માંસપેશીઓ એક જ દિશામાં કેન્દ્રીત રહે છે. સતત કલાકો સુધી આ દિશામાં જોવાથી માંસપેશીઓને થાક થવા લાગે છે. તેનાથી આંખો દુઃખવી, માથું દુઃખવું વગેરે સમસ્યાઓ ઊભી થાય છે. આ ઉપરાંત, સ્ક્રીનની બ્લૂ લાઈટ મેલાટોનિન નામના હોર્મોનને અસર કરે છે, જેના કારણે લોકોને ઉંઘ નથી આવતી અથવા ઉંઘ ઓછી થાય છે. સ્ક્રીન સામે સતત જોવાથી પાપણો પણ ઓછી પટપટાવાતી હોય છે, જેના કારણે આંખો સુકાઈ જાય છે. તેની અસર રૂપે આંખો લાલ થવી અને આંખમાં કંઈ ખૂચતું હોય એવી સમસ્યા થઈ શકે છે.
ધ્યાન રાખવું જરૂરી
સ્ક્રીન ટાઈમ જરૂરિયાત મુજબ સીમિત રાખો. લેપટોપ પર કામ કરતી વખતે, સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ કરો અથવા આંખોને પ્રોટેક્ટ કરવા માટે ખાસ ચશ્મા પહેરો.