
Ahmedabad news: અમદાવાદ શહેર જ નહીં પરંતુ રાજ્યમાં સૌથી મોટી ગણાતી મોબાઈલ બજાર એવા રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્સમાં મોબાઈલ અને તેના સ્પેરપાર્ટ્સ, ગેઝેટ અને અન્ય ઈલેકટ્રોનિક સામાનના વેચાણ માટે ખૂબ જાણીતી છે. જેમાં જૂના મોબાઈલ વેચનારા અને બિલ વગરના મોબાઈલ વેચતા વેપારીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા પાડીને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 10થી વધુ વેપારીઓને ક્રાઈમ બ્રાંચ ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના ખૂબ જાણીતા રિલીફ રોડ પરના મૂર્તિમંત કોમ્પલેક્સમાં મોબાઈલ બજારમાં સવારે ક્રાઈમ બ્રાંચે દરોડા પાડયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડીને સર્ચ હાથ ધરતા ગ્રાહકો સહિત વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. જૂના મોબાઈલ અને બિલ વગરના મોબાઈલથી થતા ક્રાઈમ અને પોલીસ ચોપડે
નોંધાયેલા કેસોની તપાસ માટે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ બજારમાં દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. જેમાં જૂના મોબાઈલ તેમજ બિલ વગરના મોબાઈલ ગ્રાહકોને પધરાવતા વેપારીઓને ત્યાં ક્રાઈમ બ્રાંચે સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે આઠથી 10 મોબાઈલના વેપારીઓને વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યા હતા.