ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શિલ્ડ"નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશાનુસાર સુરત શહેર તથા જિલ્લામાં આવતીકાલ તા.૩૧ મે, શનિવારના રોજ સાંજે ૫.૦૦ વાગે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. નાગરિકોની સુરક્ષા માટે વહીવટીતંત્રની તૈયારીઓ તથા કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતિ માટે ઓપરેશન અભ્યાસ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી, ફસાયેલા વ્યકિતઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

