
Kutch news: ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે કચ્છ જિલ્લાના ભૂજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોનાં મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. બીજી તરફ, ભૂજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાના ઘટના સામે આવી છે.
પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોનાં મોત
મળતી માહિતી અનુસાર, ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી આજે (7 જુલાઈ) બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સમા (ઉં.વ.18) અને અફસાના સમા (ઉં.વ.16) નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં ન્હાવા પડી હતી. જોકે, ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ગરકાવ થઈ જતા બંનેનાં મોત થયા હતા.
પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન, ભૂજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યું નીપજ્યું હોવાના ઘટના સામે આવી છે. સમગ્ર બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, સાબરકાંઠામાં નહાવા ગયેલા બે યુવકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાયો હતો. જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતાં યુવક ડૂબ્યો હતો. ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતાં નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.