
મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં સોમવારે સવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે પાંચ મુસાફરોના મોત થયા હતા. અકસ્માત સમયે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને કેટલાક મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.
ટ્રેક પાસે લગાવવામાં આવશે ઓટોમેટિક દરવાજા
આ દુર્ઘટનાની ગંભીરતાને સમજીને રેલવે બોર્ડે દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં નિર્માણાધીન તમામ રેલ્વે સ્ટેશનોમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય એ છે કે, ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે.
આ સાથે જ વર્તમાન સમયે સેવામાં ચાલી રહેલા તમામ કોચને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. આ ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી શકાય.
પાંચ લોકોના મોતના સમાચાર
પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 8 લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્ય રેલ્વેનું કહેવું છે કે, થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર કેટલાક મુસાફરો CSMT તરફ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા.
મળતી માહિતી પ્રમાણે મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમજ આ ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના કારણે સ્થાનિક સેવાઓને મોટી અસર થઈ છે.
મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા
ટ્રેનમાં ખૂબ ભીડ હતી, જેના કારણે આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે. આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. તેમાં જોઈ શકાય છે કે, મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા.