
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે . વધુ એક ઘટના એવી બની હતી કે, ગત પહેલી જૂનના રોજ પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામે સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા એક પરપ્રાંતીય યુવકનું મોત થયું હતું. તપાસ દરમિયાન આ યુવક તાંતિથૈયા ગામે આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું હતું. રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. તેનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલ્વે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો.
પૈસાની લેતી દેતીમાં કરી હત્યા
ઘટનાને થોડા દિવસો બાદ પોલીસ તપાસ દરમિયાન આ રાજકુમારનું ટ્રેક સાથે બાંધેલ હાલતમાં મળેલો મૃતદેહ પોલીસને તેમજ પરિવારજનોને પણ શંકા ઉભી કરી હતી. જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઇરાદે મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. દિવસોની તપાસ દરમિયાન પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી ગઈ હતી. રાજકુમારની હત્યા તેના સાથે રૂમ પાર્ટનર ચાર મિત્રોએ જ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે ચાર પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહાતોને ઝડપી લીધા છે.
ટ્રેન આવતા રાજકુમારનું ધડ છૂટું થયું
આ સુમન, અજીત, રાજકુમાર તેમજ સુનિલકુમાર શ્રવણ, સુમંત રાજા આ તમામ સાથે મિત્રો હોય અને રૂમ પાર્ટનર તરીકે જ સાથે જ રહેતા હતા. ઘટનાના દિવસે પૈસા બાબતે કોઈક લેતી દેતી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો. જેથી તેઓએ રાજકુમારને બેભાન કરીને ચલથાણ નજીક રેલવે ટ્રેક પર લઈ ગયાં હતાં. જ્યાં ટ્રેક સાથે દોરી વડે હાથ બાંધી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં હજુ પણ સુનિલકુમાર શ્રવણ તેમજ સુમંત કુમાર આ બે ઈસમો હજુ પણ ફરાર છે. જેથી હત્યાના કામે તેઓને પણ ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.