
નડિયાદમાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદની કોર્ટમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. કોર્ટ કંમ્પાઉન્ડમાં કોર્ટ રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા ચોરને નડીયાદ ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ૨૨ એપ્રિલના રોજ અજાણ્યા ચોર ઇસમે નડીયાદ લાલ કોર્ટ હાઉસના દરવાજાના નકુચા તોડી કોર્ટ હાઉસની તિજોરીઓ ખોલી અંદરનો સરસમાન વેરવિખેર કર્યો હતો, અને ઘરફોડ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સર્વેલન્સ ટીમ તથા જવાહરનગર પો. ચોકીના માણસોને મળેલ જરૂરી સુચનાઓ મુજબ આરોપીની શોધખોળ શરુ કરી હતી.
ગુનાની તપાસ માટે જરૂરી સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન રિસોર્સ મારફતે ગુનેગારની તપાસ કરાઈ હતી. નડીયાદમાં જવાહરનગરના ન્યુ ભારતનગર તોરણ પાસે રહેતો જયલો ઉર્ફે જયેશ મનોજભાઇ તળપદાને બાતમી આધારે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુનાની કબુલાત કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. આ બાબતે નડીઆદ ટાઉન પોલીસે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.