Nadiad News: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના ઓમનગર સોસાયટી અને શાંતિ ફળિયામાં કોલેરાના રોગે ભરડો લીધો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં ૩૫થી વધુ કોલેરાના કેસો હોવાનું સામે આવ્યું છે. જયારે સરકારી ચોપડે માત્ર એક જ કેસ દર્શાવવામાં આવતા તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે. અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.

