
Nadiad News: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના ઓમનગર સોસાયટી અને શાંતિ ફળિયામાં કોલેરાના રોગે ભરડો લીધો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં ૩૫થી વધુ કોલેરાના કેસો હોવાનું સામે આવ્યું છે. જયારે સરકારી ચોપડે માત્ર એક જ કેસ દર્શાવવામાં આવતા તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે. અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.
અમદાવાદી દરવાજા બહાર ઓમનગર સોસાયટી અને શાંતિ ફળિયામાં ઝાડા- ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. પરંતુ સ્થાનિકોએ જણાવ્યાનુસાર, ઓમનગર સોસાયટી અને ઠાકોરવાસમાં ૧૦ લોકો ખાનગી અને એનડી દેસાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાંતિ ફળિયામાં એક જ પરિવારના પાંચ અને અન્ય દસ લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. અમદાવાદી બજાર વિસ્તારમાં પણ ૧૦ લોકો ઝાડા ઉલ્ટી થયાની વિગતો સામે આવી છે.
શાંતિ ફળિયામાં બાળક પણ કોલેરાની ઝપેટમાં આવ્યું છે. સરકારી તંત્રના સત્તાવાર ચોપડે માત્ર એક જ કેસ દર્શાવ્યો છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણી સાથે ગટરનો પાણી મિશ્રણ થઇને વિતરણ થતું હતું જેના કારણે રોગચાળો વકર્યો હતો. આ રોગચાળો ફેલાતા તંત્રએ મોડે મોડે અમદાવાદી બજાર અને આસપાસના ૨ કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને સર્વે હાથ ધર્યો છે. મેડિકલ ઓફિસર પ્રેરણા ગ્વાલાને કોલેરા નિયંત્ર અધિકારી તરીકે નિમણુંક કરી છે.
દૂષિત પાણી મુદ્દે રજૂઆતો છતાં તંત્રએ સમારકામ ન કર્યું : સ્થાનિક
ઓમનગર સોસાયટીમાં રહેતા હિમાશું પરમારે જણાવ્યુ હતું કે, સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં ગટરના દુષિત પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ઉકેલ આવ્યો નથી. સોસાયટીના લોકો વેચાતુ પાણી લઇને પીવા મજબૂર બન્યાં છે.
કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ક્યા ક્યા પ્રતિબંધ મૂકાયા
- ધંધાર્થીઓએ ખાદ્ય પદાર્થો ખૂલ્લા ના રાખવા
- શાકભાજી અને ફળફળાદી ખુલ્લા ન રાખવા અને કાપીને વેચાણ ન કરવું
- ખાદ્ય પદાર્થ વ્યવસ્થિત ઢાંકવા, ખાદ્ય પદાર્થો પેપર ડીશમાં જ આપવા
- બરફ, ગોલા, ગુલ્ફીના વેચાણ પર તત્કાલ પ્રતિબંધ
- શેરડીના રસ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ વેંચાણ કરવો
- વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો
- કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી નડિયાદ મનપાના મેડિકલ ઓફીસરને મોકલવી હતી.
ત્રણ દિવસથી તંત્રએ સર્વે શરૂ કરી દીધો હતો
છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં પ્રશ્નો હતા, જે પ્રશાસનના ધ્યાનમાં આવ્યા બાદ ત્રણેક દિવસથી સર્વે ચાલુ કર્યો હતો. જેમાં અનેક પરીવારોમાં સંખ્યાબંધ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ હોવાનું સામે આવી રહ્યુ હતું. તે પછી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં ક્લોરીનની ગોળીઓ નાખવાનું શરૂ કર્યુ હતું. જે બાદ તંત્રએ કોલેરાનો એક કેસ દર્શાવી નડિયાદને કોલેરાગ્રસ્ત જાહેર કર્યુ છે.