
ગુજરાતમાં નકલી કોર્ટ, પોલીસકર્મી, ડૉક્ટરની સિલસિલો યથાવત્ છે, ત્યારે પંચમહાલના ગોધરા શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બોગસ તબીબ દ્વારા ખોટી રીતે હોસ્પિટલ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો.
કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ
શહેરમાં બોગસ હોસ્પિટલની જાણકારી મળતા મોડિકલ ઓફિસર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
12 પાસ હોવા છતાં ચલાવતો હતો હોસ્પિટલ
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાંથી બોગસ તબીબ સંદીપ ભીંડેની ધરપકડ કરવામાં આવી છે. તે માત્ર 12 પાસ હોવા છતાં, તેની પુત્રીના તબીબી પ્રમાણપત્રનો દુરુપયોગ કરીને છેલ્લા 20 વર્ષથી આસ્થા હોસ્પિટલમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ખાસ વાત એ છે કે તેની પુત્રીના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે તેના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.