
Nasvadi news: છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના યુવક સાથે પાકિસ્તાનની એક યુવતીએ લગ્ન કર્યા હતા તેને ત્રણ સંતાનો છે અને 20 વર્ષથી ભારતનું નાગરિકત્વ મળતું નથી દર બે વર્ષે વિઝા આપવામાં આવે છે હાલ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આદેશ કરતા પોલીસે આ પરિવારની તમામ વિગતો મેળવી રહી છે.
નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા નગમાંનભાઈ ગફારભાઈ મેમણ તેઓ હૈદરાબાદમાં ઓલ્ડસિટીમાં રહેતા હતા તેઓએ 2005માં પાકિસ્તાનના કરાચીની બુશરાબાનુ યુવતી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરીને હૈદરાબાદ ખાતે લાવ્યા હતા. તેઓના સુખી સંસારમાં બે દીકરીઓ અને એક પુત્ર છે ત્યારે હૈદરાબાદથી બે વાર આ પરણિત મહિલાએ ભારતનું નાગરિત્વ મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેને ભારતનું નાગરિત્વ મળ્યું ન હતું. હાલ તો આ મહિલાને બે વર્ષના વિઝા ભારતની એમ્બેસી દ્વારા આપવામાં આવે છે. લગ્નના 20 વર્ષ વીતી જવા છતાંય તેને ભારતનું નાગરિત્વ મળ્યું નથી. જેથી આ પરિવાર હૈદરાબાદ છોડી નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં હાલ રહે છે અને સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા આ પરણિત મહિલાની શોધખોળ પોલીસે કરીને તમામ માહિતી એકત્રિત કરી છે, જયારે વહીવટી તંત્ર પણ સરકારના આદેશની રાહ જોઈ રહી છે.
પોલીસે તમામ હકીકતો મેળવીને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે. જયારે આ મહિલાને જો પાકિસ્તાન મોકલી દેવામાં આવે તો તેના ત્રણ સંતાનો ભારતીય નાગરિત્વ ધરાવે છે જેના કારણે આ પરણિત મહિલાને બાળકોને મૂકીને પાકિસ્તાન જવું પડે તેવી નોબત આવી છે. જયારે સરકાર ચાર દિવસમાં પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ તો આ પરિવાર મૂંઝવણમાં મૂકાયું છે. એક તરફ આતંકવાદીઓ નિર્દોષ લોકોને કાશ્મીરના પહલગામમાં મોતને ઘાટ ઉતાર્યા હતા તેને લઈને સરકાર કડક આદેશ કરતા સમગ્ર વહીવટી તંત્ર પાકિસ્તાની નાગરિકો ક્યાં ક્યાં વસેલા છે તેની છોટાઉદેપુર જિલ્લામાં તપાસ કરી રહી છે.