
Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમરેલી તથા નવસારીમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં કુલ 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમરેલીમાં હાઈવે પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત
અમરેલીમાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ધારીથી જૂનાગઢ હાઈવેના વેકરીયા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતા વેકરીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક સિધાર્થ રાજેન્દ્રભાઈ સોલંકીનું મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
નવસારીમાં એક મહિલા ટ્રેનની અડફેટે આવ્યા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા સાગરા ગામ પાસેથી અકસ્માતની ઘટના સામે આવી છે. સાગરા રેલ્વે ફાટક પર બાંદ્રા સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર મહિલા નવસારીની સંસ્કાર ભારતી શાળાના આચાર્ય હોવાનું સામે આવ્યું છે.
ફાલ્ગુની દેસાઈ નામની આચાર્યનું મોત થતાં શાળા સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ મરોલી રેલ્વે સ્ટેશન માસ્તરને થતા રેલ્વે પોલીસે મૃતદેહનો કબજો લઈ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મરોલી પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.