
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જેલ જાપ્તામાંથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળને લઈને એક સામૂહિક મુહિમ શરૂ કરવામાં આવી છે. જેને લઇને નવસારી એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં 2010ના વર્ષમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાંથી 100 તોલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રુ. 15,40,000ની મતાની ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સાબરમતી મધ્યસ્થ જેલનો કેદી આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીર સિંહ ચૌહાણ છેલ્લા 14 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો તેને શોધી કાઢી એલસીબીએ આશરે 73 જેટલા ગુનાઓનો ઉકેલ મેળવ્યો છે.
દિલ્હી કોર્ટમાં રજૂ કરતી વખતે આરોપી નાસી છૂટ્યો હતો
આરોપી સાબરમતી મધ્યસ્થ જેલનો કેદી હતો અને 2011માં દિલ્હી કોર્ટ ખાતે તેને રજૂ કરવા લઈ જતી વખતે તે પોલીસ જાપ્તામાંથી ભાગી છુટ્યો હતો. તેની શોધખોળ છેલ્લા 14 વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. નવસારી એલસીબીએ આ આરોપીની શોધખોળ અંગે ઝીણવટભરી રીતે તપાસ કર કરી હતી, જેમાં પોલીસને બાતમીદારએ માહિતી આપી હતી કે આરોપી કોઈક જેલમાં સજા કાપી રહ્યો છે પરંતુ તે કઈ જેલમાં છે તેની માહિતી મળી નથી.
લૂંટ, મર્ડર, ચોરી સહિતના 73 ગુનાઓ આરોપીના માથે નોંધાયેલા છે
ત્યારે પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદ લઈ આરોપી હાલમાં હરિયાણાના નુંહ જેલ ખાતે સજા ભોગી રહ્યો છે તેવી માહિતી મળતા સાબરમતી મધ્યસ્થ જેલની તેની જાણ કરી હતી. આરોપી લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં તેણે 73 જેટલા લૂંટ, મર્ડર, ચોરી સહિતના ગુનાઓ તેના માથે નોંધાયેલા છે. નવસારી એલ.સી.બીના સ્ટાફ દ્વારા બાતમીદારના નેટવર્ક અને ટેકનિકલ સોર્સની ઝીણવટભરી માહિતી મેળવી આ અઘરા કેસને ઉકેલી કાઢી ફરાર આરોપીને જેલમાં હોવાનું શોધી કેસને ઉકેલ્યો છે.