છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 124 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.
ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની
જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. બીલીમોરા-ગણદેવી માર્ગ પર રેલવે ગરનાળામાં કેડસમા પાણી ભરાતા વાહન-વ્યવહાર ઠપ થયો છે.
ત્યારે છેલ્લા ત્રણ દિવસથી નવસારીમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકતાં નવસારી જિલ્લામાં બે કાંઠે નદીઓ વહેવા લાગી છે. નવસારીની અંબિકા અને કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે. મેઘરાજા જાણે જળાભિષેક કર્યો હોય એવા દ્રશ્યો સર્જાયા છે.
.