Home / Sports : Neeraj Chopra got top position in Paris diamond league 2025

પેરિસ ડાયમંડ લીગ 2025માં ચમક્યો નીરજ ચોપરા, જૂલિયન વેબર સાથે હિસાબ બરાબર કર્યો

પેરિસ ડાયમંડ લીગ 2025માં ચમક્યો નીરજ ચોપરા, જૂલિયન વેબર સાથે હિસાબ બરાબર કર્યો

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. 20 જૂને (શુક્રવાર) પેરિસમાં યોજાયેલી ઈવેન્ટમાં નીરજે તેના હરીફ જર્મનીના જૂલિયન વેબરને પરાજિત કર્યો હતો. નીરજ ગત ટૂર્નામેન્ટમાં વેબરથી હારી ગયો હતો. પરંતુ, હવે તેણે આ હારનો બદલો લઈ લીધો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 88.16 મીટરનો થ્રો કર્યો હતો, જેનાથી તે સૌથી આગળ નીકળ્યો અને અંત સુધી લીડ કાયમ રાખી. બાદમાં નીરજે બીજા પ્રયાસ 85.10 મીટર દૂર થ્રો કર્યો હતો. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો થ્રો નિષ્ફળ રહ્યો હતો. જોકે, છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટરનો થ્રો કર્યો હતો.

પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન

  • પહેલો પ્રયાસ- 88.16 મીટર
  • બીજો પ્રયાસ- 85.10 મીટર
  • ત્રીજો પ્રયાસ- ફાઉલ
  • ચોથો પ્રયાસ- ફાઉલ
  • પાંચમો પ્રયાસ- ફાઉલ
  • છઠ્ઠો પ્રયાસ- 82.89 મીટર

પેરિસ ડાયમંડ લીગમાં તમામ 8 ખેલાડીઓના સર્વશ્રેષ્ઠ થ્રો

  • નીરજ ચોપરા (ભારત) - 88.16 મીટર
  • જુલિયન વેબર (જર્મની) - 87.88 મીટર
  • લુઇઝ મૌરિસિયો ડા સિલ્વા (બ્રાઝિલ) - 86.62 મીટર
  • કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) - 81.66 મીટર
  • એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 80.29 મીટર
  • જુલિયસ યેગો (કેન્યા) - 80.26 મીટર
  • એડ્રિયન માર્ડારે (મોલડોવા) - 76.66 મીટર
  • રેમી રૂજેટે (ફ્રાન્સ) - 70.37 મીટર

16 મેના દિવસે જુલિયન વેબરે દોહા ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપરાને હરાવ્યો હતો. ત્યારે જુલિયન વેબરે 91.06 મીટરનો છેલ્લો થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું હતું. નીરજ 90.23 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. ત્યારબાદ 23 મેના દિવસે પોલેન્ડમાં યોજાયેલી જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઈવેન્ટમાં પણ વેબરે નીરજને હરાવ્યો. જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઈવેન્ટમાં, વેબરે 86.12 મીટર અને નીરજે 84.14 મીટરનો થ્રો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડાયમંડ લીગના કોઈપણ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાન પર રહેવા બદલ 7 પોઈન્ટ, ત્રીજા સ્થાન પર રહેવા બદલ 6 અને ચોથા સ્થાન પર રહેવા બદલ 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે, નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે બીજા સ્થાન પર રહેનાર જુલિયન વેબરને 7 પોઈન્ટ મળ્યા હતા. ડાયમંડ લીગ 2025ની સમાપ્તિ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝ્યૂરિખમાં ડાયમંડ લીગ ફાઈનલ દ્વારા થશે. ડાયમંડ લીગ ફાઈનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળશે.

Related News

Icon