
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આજે લેવામાં આવશે. પરીક્ષામાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકનું પેપર રહેશે. જ્યારે સૌપ્રથમવાર સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.
ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા
દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે. નોંધનિય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા લેવામાં આવશે. મહત્વનું છે કે, આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો ઘટાડો થયો છે.
દેશભરમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે
દેશભરમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જે MBBSની 780 કોલેજોની 1 લાખ18 હજાર 190 સીટો, BDSની 323 કોલેજોની 27 હજાર 618 સીટો અને અન્ય અભ્યાસક્રમોની કુલ 2.5 લાખ સીટો માટે લેવાશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં સવારે 11:00થી બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ મેળવવો ફરજિયાત છે.
પરીક્ષા માટે બે કલાક વહેલા અપાશે પ્રવેશ
પરીક્ષામાં કોઈપણ ગેરરીતી ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના બે કલાક પહેલા એન્ટ્રી આપવામાં આવશે. એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ-ડિટેક્ટરથી ચેક કરાશે. આ સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે તે પહેલા તેમનું ફિઝિકલ ચેકિંગ થશે. મહત્વનું છે કે, પરીક્ષામાં પેપર મોકલવાનું કામ ભારતીય પોસ્ટ વિભાગને સોંપાયું છે.