
Amreli news: અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઈવે પર રસ્તાના કામને લઈ કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં આધેડ બાઈકચાલક પડી જતા ઘટનાસ્થળે જ આધેડનું મોત નિપજયું હતું. સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પાસે રોડનું ખોદકામ કરેલું હોવાથી રાત્રિના સમયે આધેડ બાઈકચાલક ખાડામાં પડી જતા ત્યાં જ મોતને ભેટયા હતા. મૃતક આધેડ રામજીભાઈ અમરેલીથી સાવરકુંડલા આવી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા ટાઉનમાં પેટ્રોલ પંપ પાસે રસ્તાનું ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાત્રિના સમયે આધેડ બાઈકચાલક રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં બાઈક સાથે પડી જતા મૂઢ માર વાગતા આધેડનું કમકમાટીભર્યું મોત થયું હતું. જે બનાવ અંગે જાણ થતા 108 મારફતે સાવરકુંડા સિવિલ હોસ્પિટલમાં આધેડનું પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.
બનાવની જાણ થતા લોકોનાં ટોળાં એકઠા થયા હતા. બાઈકચાલક અમરેલી શહેરથી સાવરકુંડલા આવી રહ્યા હતા. જે દરમિયાન રાત્રિના સમયે રસ્તાના ખોદકામને લઈ કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સાવચેતીના બોર્ડ નહોતા લગાવ્યા જેના લીધે આધેડનું ખાડામાં પડી જતા મોત નિપજયું હતું. જો કે, રોડની કામગીરી ચાલી રહી છે કોઈ સાવચેતીના બોર્ડ લગાવામાં નહીં આવે તો હજુ પણ વધુ અકસ્માત સર્જાશે તેવી સ્થાનિકો ભીતિ સેવી રહ્યા છે.