Home / Business : Sensex today: Sensex falls 690 points for third consecutive day: TCS results fall below expectations, fall in IT stocks drags market down

Sensex today: સળંગ ત્રીજા દિવસે સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટ્યોઃ TCSના પરિણામો અપેક્ષાથી ઉણા ઉતરતા IT શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું

Sensex today: સળંગ ત્રીજા દિવસે સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટ્યોઃ TCSના પરિણામો અપેક્ષાથી ઉણા ઉતરતા IT શેરોમાં ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું

Sensex today: વૈશ્વિક બજારોમાંથી મળતા સુસ્ત સંકેતો વચ્ચે, ભારતીય શેરબજાર પણ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવાર (11 જુલાઈ)ના રોજ ઘટાડા સાથે બંધ થયું. આ સાથે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ રહ્યા. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના અપેક્ષા કરતાં નબળા પરિણામો જાહેર થયા પછી, ઈન્ફર્મેશન ટેકનોલૉજી શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે ખેંચાયું હતું. તે જ સમયે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પર 35% ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક વેપાર ચિંતાઓ વધી ગઈ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે 30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ 370 પોઈન્ટના ઘટાડા સાથે 82,820 પોઈન્ટ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે ઘટીને 82,442.25 પોઈન્ટ પર બંધ થયો. અંતે, તે 689.81 પોઈન્ટ અથવા ૦.83 ટકાના ઘટાડા સાથે ૮82,5૦૦.47 પર બંધ થયો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર લાલ રંગમાં બંધ થયા જ્યારે માત્ર 7 કંપનીઓના શેર લીલા રંગમાં બંધ થયા.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ આજે લાલ નિશાનમાં ખુલ્યો. આઇટી ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે, તે 205.40 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 25,149.85 પર બંધ થયો.

નિફ્ટી આઇટી ઈન્ડેક્સ 1.78 ટકા ઘટ્યો

2025ના એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસના પરિણામો પ્રમાણમાં નબળાં રહેવાને કારણે આઇટી શેરોમાં આજે ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઘટ્યો. અંતે, તે 1.78 ટકાના ઘટાડા સાથે બંધ થયો. સૌથી મોટો ઘટાડો ટીસીએસમાં જોવા મળ્યો અને તેમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો. ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું.

જોકે તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો, તેમ છતાં, નિફ્ટી ફાર્મામાં 0.68 ટકા અને નિફ્ટી એફએમસીજીમાં 0.51 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી કેપિટલ માર્કેટમાં સૌથી મોટો ઘટાડો થયો, જે 2.03 ટકા ઘટ્યો. આ પછી, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં પણ 1.94 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ટીસીએસના નબળા ત્રિમાસિક પરિણામોને કારણે નિફ્ટી આઇટીમાં પણ 1.78 ટકાનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ઓટો 1.77 ટકા, નિફ્ટી મીડિયા ૧.૬૦ ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૧.૨૬ ટકા ઘટ્યા હતા.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

આજે ટીસીએસ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ટેક મહીન્દ્રા, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, આરઆઇએલ અને એચડીએફસી બેંક ટોચના ઘટાડા સાથે રહ્યા હતા, જ્યારે એચયુએલ, ઇટરનલ, એનટીપીસી, પાવર ગ્રીડ, એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ ટોચના ગેનર્સ રહ્યા હતા. બ્રોડર માર્કેટ્સની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 બંનેમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો છે.

આ ઉપરાંત, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર (11 જુલાઈ)ના રોજ, ટાટા એલેક્સીના શેર દબાણ હેઠળ આવ્યા અને 7.5 ટકા ઘટીને 5,679 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચી ગયા.

આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ.460 લાખ કરોડથી ઘટીને રૂ. 456.5 લાખ કરોડ થયું. આના કારણે, રોકાણકારોને એક જ દિવસમાં લગભગ રૂ. ૩3.5 લાખ કરોડનું નુકસાન થયું.

બજાર ઘટવાનાં પાંચ કારણો

(1) આઇટી શેરોમાં દબાણ

ટીસીએસના પરિણામો બાદ શેર 2.5 ટકા ઘટ્યો છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.5% ઘટ્યો હતો, અને તેના તમામ 10 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા અન્ય આઇટી શેરોમાં પણ ઘટાડો થયો હતો.

(2)  ભારત-અમેરિકા વેપાર સોદા પર સસ્પેન્સ- મંત્રાલયની એક ટીમ અમેરિકા જઈ રહી છે જેથી વેપાર કરાર પર વાટાઘાટો થઈ શકે. અમેરિકાએ વધારાની ડ્યુટી 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે, પરંતુ તે પછી શું થશે તે સ્પષ્ટ નથી. આ અનિશ્ચિતતા રોકાણકારોને સાવધ બનાવી રહી છે.

3)  વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો - અમેરિકામાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી થતી આયાત પર ૩૫% ટેક્સ લાદવાની વાત કરી છે. તેમણે અન્ય દેશો પર 15-20% ના નવા ટેરિફનો પણ સંકેત આપ્યો છે. આનાથી વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતા ફરી વધી ગઈ છે.

(4). ટ્રમ્પ અને યુએસ ફેડ વચ્ચે સંઘર્ષ - ટ્રમ્પ ઇચ્છે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ૩% ઘટાડો કરે. આ ફેડની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે, જે બજાર સ્થિરતા માટે ખતરનાક બની શકે છે.

(5). ભારતનો VIX વધ્યો- VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) લગભગ 2% વધીને 11.87 પર પહોંચ્યો છે. આનો અર્થ એ થયો કે બજારમાં ગભરાટ અને અસ્થિરતાની શક્યતા વધી ગઈ છે, ખાસ કરીને કમાણીની મોસમ અને વેપાર સોદાઓની અનિશ્ચિતતા વચ્ચે.

આગળ શું ?

જિયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સના મતે, આ અઠવાડિયે બજારના ઉપર જવાના પ્રયાસો સતત દબાણ હેઠળ હતા. હવે આશા છે કે નિફ્ટી 25,220ની આસપાસ અટકી જશે, નહીં તો તે 24,920–25,025 ના સ્તરે પહોંચી શકે છે. આજનો ઘટાડો ફક્ત એક ક્ષેત્ર પૂરતો મર્યાદિત નહોતો. આઇટી શેરો, વૈશ્વિક તણાવ, વેપાર સોદાનું અનિશ્ચિત ભવિષ્ય અને મોંઘું ક્રૂડ - આ બધાએ મળીને બજારને દબાણમાં મૂક્યું છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયા-પેસિફિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. તેનું મુખ્ય કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે જેમાં તેમણે 1 ઓગસ્ટથી કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ મોટાભાગના વેપાર ભાગીદારો પર 15-20%ના વ્યાપક ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. તેમણે ફુગાવા અને શેરબજાર પર અસર અંગેની ચિંતાઓને ફગાવી દીધી.

એશિયન બજારોની વાત કરીએ તો, નિક્કી 0.21% વધ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.71% વધ્યો હતો. કોસ્પી 0.013% અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.064% ઘટ્યો હતો.

બીજી તરફ, ગુરુવારે યુએસ શેરબજારો મજબૂત રહ્યા. S&P 500 ઇન્ડેક્સ 0.27%ના વધારા સાથે 6,280.46ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ પણ સતત બીજા દિવસે નવી ટોચ પર પહોંચ્યો અને 0.09%ના વધારા સાથે 20,630.67 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 192.34 પોઈન્ટ અથવા 0.43%ના વધારા સાથે 44,650.64 પર બંધ થયો.  

Related News

Icon