રમતગમતમાં મેડલ જીતવાથી ખેલાડીનું જીવન બદલાઈ શકે છે. દરેક રમતવીરનું આનું સપનું હોય છે અને આ ભાવના સાથે આ વર્ષે પેરિસમાં યોજાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે વિશ્વભરના ખેલાડીઓ આવ્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે મેડલ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. માર્ટિન ફોરકેડના નેતૃત્વમાં પેરિસ 2024 એથ્લેટ કમિશન, મેડલને વિશેષ રીતે તૈયાર કરવા પર વિચારણા કરી હતી. વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવરને ઓલિમ્પિક મેડલ્સ સાથે સાંકળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી જ દરેક ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મેડલને એફિલ ટાવરના મૂળ લોખંડના ટુકડાથી શણગારવામાં આવે છે. વાસ્તવમાં, 1887-1889ની વચ્ચે બનેલ એફિલ ટાવરનું ઘણી વખત નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન તેમાંથી કાઢવામાં આવેલી ધાતુને સાચવવામાં આવી હતી. હવે પેરિસ 2024 ગેમ્સ માટે તૈયાર કરવામાં આવેલા મેડલમાં પણ આ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની પાછળ ઓલિમ્પિક કમિશનનો ઈરાદો એફિલ ટાવર અને ફ્રેન્ચ ઈતિહાસને રમતગમત સાથે જોડવાનો છે.

