પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025ની ઓપનિંગ સેરેમની 11 એપ્રિલના રોજ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થઈ હતી, જ્યાં પ્રથમ વખત આ મેદાનને ઓપનિંગ મેચનું આયોજન કરવાની તક મળી હતી. ઓપનિંગ સેરેમનીમાં મ્યુઝિક, ફાયરવર્ક અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. સેરેમનીની સૌથી ખાસ વાત એ હતી કે જ્યારે એક વ્યક્તિ હવામાં ઉડતો અને સ્ટેડિયમમાં ફરતો જોવા મળ્યો. આ દૃશ્ય પ્રેક્ષકો માટે ખૂબ જ રોમાંચક અને ચોકાવનારું હતું, જેના કારણે સેરેમની યાદગાર બની ગઈ. જોકે, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેના પર રમુજી પ્રતિક્રિયાઓ આપી હતી.
ઓપનિંગ સેરેમની પછી, ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈસ્લામાબાદ યુનાઈટેડ અને બે વખતના વિજેતા લાહોર કલંદર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ઈસ્લામાબાદે 8 વિકેટથી જીત મેળવી હતી. આ વખતે, PSLની 10મી એડિશનમાં કુલ 34 મેચ રમાશે, જેમાંથી ત્રણ ડબલ હેડર હશે. આ મેચો લાહોર, કરાચી, મુલતાન અને રાવલપિંડીમાં યોજાશે. ફાઈનલ મેચ 18 મેના રોજ લાહોરના નવા બનેલા ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે.
જેટનો ઉપયોગ કરી હવામાં ઉડ્યો વ્યક્તિ
વાત કરીએ વીડિયોની તો, પાકિસ્તાની પત્રકાર અબ્બાસ સાબીરે તેને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. આમાં, એક વ્યક્તિ જેટનો ઉપયોગ કરીને હવામાં એક્રોબેટિક્સ કરી રહ્યો છે. તે મેદાનમાં ફરતો ફરતો દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ જોયો છે. જોકે, વાયરલ થતાં જ લોકોનું ધ્યાન તેના તરફ પણ ગયું. ઘણા યુઝર્સ આનાથી ખુશ દેખાતા હતા, જ્યારે ઘણા લોકોએ તેની મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું, "તે ટ્રેનિંગ લઈ રહ્યો છે.", તો અન્ય એકે કહ્યું, "શું અલગ દેખાવા માટે કંઈપણ કરશો. તે સર્કસ જેવું લાગી રહ્યું છે." એક યુઝરનું ધ્યાન ખાલી સ્ટેન્ડ્સ પર પણ ગયું હતું. તેણે તરત જ તેના પર કમેન્ટ કરી હતી.
PSLની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર કલાકારોની હાજરીએ પણ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. પીઢ સૂફી ગાયિકા આબિદા પરવીને પોતાના સૂફી મ્યુઝિકથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન, પોપ ગાયક અલી ઝફરે આ સિઝનનું ઓફિશિયલ સોંગ ગાઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેની સાથે, નતાશા બેગ અને રેપ જોડી યંગ સ્ટનર્સે પણ સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું, જેણે સેરેમનીને ઉર્જા અને ઉત્સાહથી ભરી દીધી.
PSLની પ્રાઈઝ મની
PSLની 10મી સિઝનમાં, ટૂર્નામેન્ટની વિજેતા ટીમને 5 લાખ ડોલરનું રોકડ ઈનામ અને રનર-અપને 2 લાખ ડોલરનું રોકડ ઈનામ મળશે. આ વખતે PSLમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતપોતાની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.