
ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં કોલેજ રોડ ઉપરથી ગટરમાંથી મળેલા માનવ અંગોનો ભેદ ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો હતો. જેમાં મૂળ ઉત્તર પ્રદેશના અને ભરૂચમાં રહેતા સચિન ચૌહાણની તેના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે જ હત્યા કરીને લાશના 9 ટૂકડા કર્યા બાત અંગોને ગટરમાં ફેંકી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસે શૈલેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે.
સચિનના મોબાઈલમાં શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક ફોટો હતા
શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણની કડક, પૂછપરછ કરતા માહિતી બહાર આવી કે સચિન ચૌહાણ અને હત્યારો શૈલેન્દ્ર ચૌહાણ બન્ને ઉત્તર પ્રદેશમાં એક જ ગામના વતની છે. બન્નેમાં મિત્રતા હતી અને શૈલેન્દ્રની પત્ની પણ તે વિસ્તારની જ છે. સચિનના મોબાઈલમાં શૈલેન્દ્રની પત્નીના કેટલાક આપત્તિજનક ફોટો હતા. સચિન વારંવાર તે ફોટો બતાવીને શૈલેન્દ્રને બ્લેકમેલ કરતો હતો, એટલે શૈલેન્દ્રને સચિન ઉપર ઘણાં સમયથી ગુસ્સો હતો. આ દરમિયાન સચિન તેની પત્ની અને પુત્રને મુકીને ઉત્તર પ્રદેશથી ભરૂચ પરત આવ્યો, ત્યારે મોકો જોઈને શૈલેન્દ્રએ સચિનને પોતાના ઘરે જમવા બોલાવ્યો હતો.
મૃતદેહ ઘરમાં જ રાખ્યો
જમીને બન્ને ઊંઘી ગયા હતા. રાત્રે શૈલેન્દ્રએ સચિનનો મોબાઈલ લઈ લીધો હતો અને તેમાથી પત્નીના આપતીજનક ફોટો ડીલિટ કરવા જતો હતો. ત્યારે જ સચિનની ઊંઘ ઉડી ગઈ અને બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલ શૈલેન્દ્ર રસોડામાંથી ચાકુ લઈ આવ્યો અને સચિનના ગળાના ભાગે મારી દીધુ. સચિન તે સાથે જ ઢળી પડ્યો. સચિન ચૌહાણની હત્યા બાદ મૃતદેહને એક દિવસ ઘરમાં જ રાખ્યો હતો.
શૈલેન્દ્ર રાત્રે સ્ત્રીનો વેશ ધારણ કરીને મૃતદેહના ટૂકડા લઈને નીકળતો હતો
બીજા દિવસે શૈલેન્દ્ર નોકરી પર પણ ગયો હતો અને ત્યાંથી પરત આવતા તે લાકડા કાપવાની કરવત લાવ્યો હતો. આ કરવતથી સચિનની મૃતદેહના 9 ટુકડા કરી પ્લાસ્ટિક બેગમાં અલગ-અલગ પેક કરીને ગટરમાં ફેંકી દીધા હતા. કોઈને શંકા ન જાય તે માટે શૈલેન્દ્ર રાત્રે સ્ત્રીનો વેશ ધારણ કરીને એક્ટિવા ઉપર મૃતદેહના ટૂકડા લઈને નીકળતો હતો.