જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલા બાદ પંચમહાલ પોલીસ ધ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગોધરામાં લાંબા સમયથી ૨૩ જેટલા પાકિસ્તાનની નાગરિકો વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે. લોંગ ટાઈમ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકો સામે પોલીસ જરૂરી કાર્યવાહી કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
લોંગ ટર્મ વિઝા પર ભારત આવેલા અને ગોધરામાં રહેતા ૨૩ પાકિસ્તાની નાગરિકો ને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પંચમહાલ પોલીસના જણાવ્યા મુજબ સરકારની એડવાઈઝરી મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
રાજકોટમાં પણ પાકિસ્તાન-બાંગ્લાદેશી નાગરિકોને લઈને ચેકિંગ
અમદાવાદ, સુરત, પંચમહાલ સહિત રાજ્યભરમાં પાકિસ્તાન તથા બાંગ્લાદેશની નાગરિકોની શોધખોળ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં ચેકીંગના સમાચાર સામે આવી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી નાગરિકોને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ સોની બજારમાં હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. કારીગરોના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોને લઈને ભારત સરકાર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેને લઈને શહેરના સોની બજાર તેમજ રામનાથ પરા વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચનું ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.