
પહેલગામ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ આતંકી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. ભારતે પાકિસ્તાન સામે લાલ આંખ કરીને કડક નીતિ અપનાવી છે. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાથી માંડી ભારતમાં વસતા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એવામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વસતા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં પાકિસ્તાનના વસતા નાગરિકની સંખ્યા અંદાજે 5 હજાર ઉપર છે. જેમાંથી 4710 પાકિસ્તાની નાગરિક લોન્ગ ટર્મ વિઝા પર રહે છે, જ્યારે 389 પાકિસ્તાન નાગરિક શોર્ટ ટર્મ પર આવ્યા છે. મોટા ભાગના પાકિસ્તાની નાગરિક અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલયના આદેશ બાદ આ તમામ પાકિસ્તાનીઓને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદમાં સરદાર નગર અને કુબેરનગર સહિત આસપાસના વિસ્તારમાં આવા નાગરિક વધુ વસવાટ કરે છે.
અમદાવાદ જિલ્લામાં પાકિસ્તાની નાગરિકોના આંકડા પણ સામે આવ્યા
અમદાવાદ જિલ્લામાં 30 જેટલા પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 27 જેટલા પાકિસ્તાનની નાગરિકો લોંગ ટર્મ વિઝા પર રહી રહ્યા છે. જ્યારે ત્રણ નાગરિકો શોર્ટ ટર્મ વિઝા પર હોવાનું સામે આવ્યું છે. શોર્ટ ટર્મ વિઝા પર આવેલા નાગરિકો પરત ફરી ગયા હોવાનું સૂત્ર પાસેથી માહિતી મળી છે. તેમજ અન્યને લઈને પણ તંત્ર દ્વારા પ્રક્રિયા ચાલી રહી છે.