
Pakistan: પાડોશી દેશ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિનાશકારી વાવાઝોડું અને ભારે વરસાદને લીધે 20 લોકોનાં મોત થયા છે. જ્યારે 150 લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. વાવાઝોડું કેટલું વિનાશકારી હશે તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે માર્ગો અને એર ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થયું છે.
વાવાઝોડાથી ઈન્ફ્રાસ્ટ્રકચરને ઘણું નુકસાન થયું છે. જો કે, ઘણા વિસ્તારની વીજળી પણ ડુલ છે. તંત્રના દાવા અનુસાર, મોટાભાગના મોત જર્જરિત મકાનો ધરાશાયી થવાથી થયા છે. આ ઉપરાંત બિલબોર્ડની નીચે દબાવાથી થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
વાવાઝોડાએ વિનાશ વેર્યો
ભારે પવન અને કરાની અસર પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તૂનખ્વામાં પણ જોવા મળી હતી. પાક અને પાવર લાઈને ઘણું નુકસાન થયું હતું. જો કે, અહીંથી કોઈના મોતના અહેવાલ નથી સાંપડયા.
ભારે વરસાદની સાથે આવેલા વાવાઝોડાને લીધે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયું હતું. આ ઉપરાંત અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. કરાચીથી લઈને લાહોર જતી ખાનગી એરલાઈનના વિમાન FL-842 ભયાનક ટર્બુલન્સમાં સપડાયું હતું. સોશિયલ મીડિયા પર એના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ વહીવટી તંત્ર અનુસાર, લાહોર અને ઝેલમમાં છ લોકોનાં મોત થયા છે. આ સિવાય સિયાલકોટમાં બે અને મુઝફફરગઢમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે શેખપુરા, નનકાના સાહેબ, અટક, મુલ્તાન, મિયાંવલી, ગુંજરાવાલામાં બે મોત થયાનું સામે આવ્યું છે.