
Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા સૌથી અશાંત પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના કેટલાક વિસ્તારોને વરસાદ અને વાવાઝોડાએ ઘમરોળ્યા હતા. જેના લીધે આઠ લોકો મોતને ભેટયા છે. જ્યારે 21 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મૃતકોમાં 5 પુરુષો, બે મહિલા અને એક બાળકનો સમાવેશ થયો છે. ઈજાગ્રસ્તોમાં 10 પુરુષ, પાંચ મહિલા અને છ બાળકો છે. ગુરુવારે ખૈબર પખ્તૂનખ્વાના જુદાજુદા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદે કહેર મચાવ્યો હતો.
ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ ભારે વરસાદ
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. મર્દન અને મોહમ્મદ જેવા જિલ્લાઓમાં વરસાદી કહેરના અહેવાલ સાંપડી રહ્યા છે, જેમાં જાનહાનિ થયાનું સામે આવ્યું છે. એક અહેવાલ અનુસાર હવામાન સંબંધિત ઘટનાઓમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
27 મેથી ખૈબર પખ્તૂનખ્વામાં ધોધમાર વરસાદ
પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી 27મેથી ખૈબર પખ્તૂનખ્વામાં વરસાદ અને ભારે પલનને લીધે થયેલા માનવીય અને ભૌતિક નુકસાન અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 25 મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે, જેમાં એક સંપૂર્ણ રીતે ધરાશાયી થયું છે. તથા 24 આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થાય છે. આ ઘટના મર્દન, પેશાવર, સ્વાત, માનસેહરા, હરિપુર સહિત જુદાજુદા જિલ્લામાં થઈ હતી.
કેટલો સમય ખરાબ હવામાન રહેશે?
મળતી માહિતી અનુસાર, વરસાદ અને વાવાઝોડા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તંત્રએ નિર્દેશ આપ્યા છે. વાતાવરણની આ અસર 31 મે સુધી યથાવત્ રહેવાની છે. ઈમરજન્સી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે, નાગરિકોને અપીલ કરાઈ છે કે કોઈ અપ્રિય ઘટના બને તો ફોન કરીને માહિતી આપે.