
કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત છે. બંને એકબીજા સામે આર્થિક કે રાજદ્વારી પગલાં લઈ રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે, પછી ભલે આ આયાત સીધી પાકિસ્તાનથી થતી હોય કે પછી પાકિસ્તાન થઈને અન્ય કોઈ દેશમાંથી ભારતમાં આવતી હોય. ભારત પાકિસ્તાની માલ પર કોઈ ખાસ નિર્ભરતા ધરાવતું નથી, તેથી આર્થિક અસર નહિવત રહેશે અને નુકસાન ફક્ત પાકિસ્તાન જ ભોગવશે. હવે ભલે આ પ્રતિબંધથી કોઈ પણ ભારતીયને બહુ ફરક નહીં પડે, છતાં પણ એક વાત એવી હશે જે કેટલાક લોકો ચૂકી જશે અને તે છે પાકિસ્તાની સિંધવ મીઠું અથવા લાહોરી મીઠું.
પાકિસ્તાની આયાત
અહેવાલ મુજબ, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રાયફ્રૂટ્સ અને રસાયણો જેવા લગભગ $500 મિલિયનના માલની આયાત કરવામાં આવે છે. તે યુએઈ, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા ત્રીજા દેશો થઈને ભારત પહોંચે છે. પરંતુ અહીંથી આયાત કરાયેલું સિંધવ મીઠું ઘણા ભારતીયોનું પ્રિય છે.
ભારતમાં સિંધવ મીઠું ઉત્પન્ન થતું નથી.
ઘણા સમયથી પાકિસ્તાનથી ભારતમાં સિંધવ મીઠું આયાત કરવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ અહીં ઉપવાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઘણો થાય છે.
ભારતમાં સિંધવ મીઠું ઉત્પન્ન થતું નથી. તેથી, આ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત મોટાભાગે પાકિસ્તાન પર નિર્ભર રહ્યું છે. આ મીઠું પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાની ખેવરા ખાણમાંથી કાઢવામાં આવે છે. આ ખાણ વિશ્વની બીજી સૌથી મોટી રોક સોલ્ટની ખાણ છે અને દર વર્ષે લગભગ 4.5 લાખ ટનનું ઉત્પાદન કરે છે.
કેટલું સિંધવ મીઠું આયાત કરવામાં આવે છે?
એક અંદાજ મુજબ, ભારત દર વર્ષે પાકિસ્તાનથી 2,500 થી 3,000 ટન લાહોરી મીઠું આયાત કરે છે. કિંમતોમાં પણ નોંધપાત્ર તફાવત છે. પાકિસ્તાનમાં, સિંધવ મીઠું લગભગ 2 થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે ભારતમાં, પ્રોસેસિંગ અને પેકેજિંગ પછી, તે 50 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
2018-19 માં, ભારતની કુલ રોક સોલ્ટ આયાતનો 99.7 % હિસ્સો પાકિસ્તાનથી આવ્યો હતો. પરંતુ પાછળથી, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યું અને અન્ય દેશોમાંથી આયાત કરવાનું શરૂ કર્યું.
હવે સિંધવ મીઠું ક્યાંથી આવશે?
નાણાકીય વર્ષ 2024 માં ભારતનું રોક સોલ્ટ માર્કેટ લગભગ 315 મેટ્રિક ટન હતું, જે 2032 સુધીમાં 448.07 મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે, એટલે કે તે દર વર્ષે લગભગ 4.5 % ના દરે વધવાની ધારણા છે. પણ શું હવે પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવાથી ભારતને નુકસાન થશે?
એવું નથી કે જો પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અહીંના લોકો સિંધવ મીઠાની કોઈ તકલીફ નહિ પડે. કારણ કે ભારતે પહેલેથી જ પોતાની વ્યવસ્થા કરી લીધી છે. ભારત લાંબા સમયથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી પણ રોક સોલ્ટની આયાત કરી રહ્યું છે. આ ઉપરાંત, ભારત હવે ઈરાન, મલેશિયા, જર્મની, અફઘાનિસ્તાન, તુર્કી અને ઓસ્ટ્રેલિયાથી પણ ઓછી માત્રામાં રોક સોલ્ટની આયાત કરે છે.
ભારતમાં લગભગ 80% ઘરોમાં દરરોજ સિંધવ મીઠાનો ઉપયોગ થાય છે. તેની પ્રક્રિયા અને પેકેજિંગ માટે, કોચી, મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી જેવા શહેરોમાં એકમો સ્થાપિત કરવામાં આવ્યા છે.