
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામા પાલનપુરના બે વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો છે. મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પાલનપુરના વિદ્યાર્થી દ્રીજેશ મોરે આંખો દેખી આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે જમીને જેવા હાથ ધોવા માટે જતાં અને અડધે પહોચ્યાં ત્યારે મેસના બિલ્ડીંગ પર પ્લેન ખાબકતા પ્રચંડ અવાજ આવ્યો હતો. બાદમાં અમે અંદર હતા ત્યારે ધુમાડો, ડસ્ટ અને પાર્ટીકલ અંદર આવતા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને દેખાવાનું બંધ થયું હતું. જોકે પ્લેન બિલ્ડીંગના બહાર જવાના દરવાજા ઉપર જ ખાબક્યું હોવાથી એક્ઝીટ ગેટ પર છતના પોપડા પડતાં હતા જોકે અમે તરત બહાર નિકળ્યાં હોત તો જીવ જોખમમાં મુકાયા હોત તેમ જણાવ્યું હતું.
ભૂકંપ આવ્યો હોય તેવું લાગ્યું
પાલનપુરમાં આદર્શ સ્કૂલ આગળ આવેલ સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં રહેતા મૂળ વાસણ (જગાણા) ગામના ભૂપેન્દ્રભાઇ મોરનો પુત્ર દ્રીજેશ કે જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તેના મિત્ર પ્રથમ જુડાલ સાથે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ બન્ને મિત્રો ૧૨ જૂનના બપોરે બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલી મેસમાં નિત્યક્રમ મુજબ ભોજન કરવા માટે ગયા હતા. જમીને તેઓ સાથે થાળી મૂકવાના સ્થળે ગયા હતા. તે સમયે એકાએક બ્લાસ્ટ થતા કાળા ડીબાંગ ધુમાડાને લઇ અંધારા પટ છવાય ગયો હતો. જેથી આ બન્ને વિદ્યાર્થીઓને ભૂકંપ આવ્યો હોય અથવા હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિ ને લઇ એર સ્ટાઇક થઇ હોવાનો અહેસાસ થયો હતો.
શ્વાસ લેવામાં તકલીફ થઈ
ભારે ડસ્ટને લઇ શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી અને અંધારામાં બહાર નીકળવું જોખમ ભર્યું લાગતા બે મિનિટ ત્યાં ઊભા રહ્યા બાદ માંડમાંડ તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર લોકો બૂમરાણ અને નાસભાગ કરતા અને બિલ્ડીંગની છત ઉપર પ્લેન ક્રેશ થઇને પડેલું જોવા મળ્યું હતું. જેથી તેઓનેસર્જાયેલી આ દુર્ઘટનામાં ભગવાને બચાવ્યા હોય તેવી અનુભૂતિ થઇ હતી.