Home / Gujarat / Panchmahal : Children forced to study in dilapidated school

Panchmahal news: VIDEO/ ડિજિટલ ગુજરાતની નરી વાસ્તવિકતા, ખંડેર શાળામાં ભુલકાંંઓ ભણવા મજબૂર

Panchmahal news: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામની વક્તાખાંટ પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાના કારણે બાલવાટિકા અને ધોરણ ૧થી ૮ના બાળકોને માત્ર ત્રણ જ ઓરડામાં પાળી પધ્ધતિથી બેસીને અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. તેમાં પણ બે ઓરડા તો ડિસ્મેન્ટલ થયેલા છે. જો કે, તેમાં ચોમાસાના સમયે પાણી ટપકે છે તેવા સમયે ક્યાં બેસીને અભ્યાસ કરવો તે પ્રશ્ન બાળકો માટે ઉભો થતો હોય છે. આ શાળાના મંજૂર થયેલા ૬ ઓરડા આજદિન સુધી નવીન નહીં બનતા આવી જ પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધોરણ ૧થી ૮માં ૨૦૮ જેટલા બાળકો વચ્ચે માત્ર 4 ઓરડા

વક્તાખાંટ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા અને ઓરડાની ઘટ વચ્ચે આ શાળાના મંજુર થયેલ ૬ ઓરડા છેલ્લા દોઢેક વર્ષ જેવો સમય વિતવા છતાં આજદિન સુધી નવા બન્યા નથી. વક્તાખાંટ પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧થી ૮માં ૨૦૮ જેટલા બાળકો અભ્યાસ કરે છે જ્યારે આઠ શિક્ષકો ફરજ બજાવે છે. આ શાળામાં કુલ ૪ ઓરડા છે,જેમાંથી માત્ર એક જ ઓરડો હાલ બેસવા લાયક છે.જ્યારે બાકીના ત્રણ ઓરડા જર્જરિત હોવાની સાથે ઓરડાની સ્થિતિ સારી ન હોવાને કારણે વર્ષ ૨૦૨૨-૨૩માં ડિસ્મેન્ટલ કરાયા હતા. જર્જરિત ઓરડા પૈકી એક ઓરડો ધાબાવાળો જ્યારે બાકીના બે ઓરડા સીન્ટેક્ષના છે.

મંજૂરી છતાં નવીનીકરણ થતું નથી

ધાબાવાળો ઓરડો તો સાવ જર્જરિત હાલતમાં છે, જેમાં દિવાલોને તિરાડો પડી ગયેલી અને છતના પોપડા પડી ગયેલા જોવા મળે છે,જેના સળિયા પણ દેખાવા લાગ્યા છે. સિન્ટેક્ષના ઓરડાની વાત કરીએ તો છત ઉપરના પતરાને કાણાં પડી ગયેલા હોવાથી તેમાં ચોમાસાના સમયે પાણી ટપકતું હોય છે જેથી બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. સાથે ઓરડાની બહારના ભાગે પણ છત અને પિલ્લરને તિરાડો પડી ગયેલી છે. વક્તાખાંટ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત સ્થિતિમાં હોવાને કારણે તે ઓરડા ડિસ્મેન્ટલ કરાયા હતા ત્યારબાદ સરકાર દ્વારા ૬ ઓરડા મંજૂર કરાયા હતા,પરંતુ તે ઓરડા મંજૂર થયાને દોઢેક વર્ષ જેવો સમય વિતવા છતાં આજદિન સુધી નવીન બનાવવામાં આવ્યા નથી.

અલગ અલગ ધોરણના બાળકો સાથે બેસીને ભણી રહ્યા છે

જો કે, શાળા આચાર્યનું કહેવું છે કે, શાળાના મંજૂર થયેલા નવિન ૬ ઓરડાનું કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. હાલ તો નવીન ઓરડા બન્યા ન હોવાથી ઓરડાની ઘટ હોવાને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ડિસ્મેન્ટલ થયેલા સિન્ટેક્ષના બે ઓરડાની સાથે માત્ર ત્રણ જ ઓરડામાં પાળી પધ્ધતિથી બેસીને અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. જેમાં બાલવાટિકા અને ધોરણ ૧થી ૫ના બાળકોને બપોરના સમયે જ્યારે ધોરણ ૬થી ૮ બાળકોને સવારના સમયે પાળી પધ્ધતિથી બેસાડીને શાળાના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. તેમાંય પણ બાલવાટિકા,ધોરણ ૧ અને ૨ તેમજ ત્રીજા-ચોથા ધોરણના બાળકોને એક સાથે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. એક જ ઓરડામાં બે કે ત્રણ વર્ગના બાળકોને એકસાથે બેસાડવામાં આવતા હોવાથી શિક્ષકોને પણ અભ્યાસ કરાવવામાં અગવડતા પડે છે અને બાળકો સારી રીતે શિક્ષણ પણ મેળવી શકતા નથી. 

આજદિન સુધી શાળાના ઓરડા નવીન બનાવવામાં નહીં આવતા વક્તાખાંટ પ્રાથમિક શાળાના બાળકો આવી જ પરિસ્થિતિમાં દરરોજ અભ્યાસ કરતા હોવાથી વાલીઓ અને ગામલોકો સહિત શાળાના શિક્ષકોની માંગ છે કે વહેલી તકે શાળાના નવીન ઓરડા બાંધવામાં આવે જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.

Related News

Icon