
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સુરત પોલીસે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતની આગેવાની હેઠળ, છેલ્લા ચાર દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 17 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને PASA (Prevention of Anti Social Activities Act) હેઠળ અટકાયતમાં લઈ, રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.
ગુનાઓના સ્વરૂપ મુજબ કડક કાર્યવાહી
આ તમામ ઇસમો ઉપર અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા, જેમાં મુખ્યત્વે: બળજબરીથી નાણાં વસૂલવાનું કૃત્ય, વાહન ચોરી અને મોબાઇલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી અને ખૂનનો પ્રયાસ, સ્ત્રીઓ સામે બળાત્કાર, પોક્સો કાયદા હેઠળ કેસ, મહિલાઓની છેડછાડ અને અનૈતિક હલચલનો સામાવેશ થાય છે. પોલીસ તપાસમાં જણાયું છે કે આ ઇસમો પોતપોતાના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા હતા અને તેમના દ્વારા વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. જેથી સુરક્ષા દૃષ્ટિએ શહેરમાં અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાને લઈને આ કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી.
રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલાયા
પોલીસે તમામ આરોપીઓને પકડીને ગુજરાતની જુદી જુદી જેલોમાં મોકલી દીધા છે જેથી તેઓ એકબીજાની સાથે સંપર્ક ન કરી શકે અને અન્ય ગુનાઓનું જાળું ફરીથી તૈયાર ન કરી શકે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, "શહેરમાં શાંતિ અને કાયદો જળવાય તે પોલીસની મુખ્ય ફરજ છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અને કોઈપણ રીતે શાંતિભંગ ન થાય તે માટે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે."