
બનાસ ડેરીએ બનાસદાણમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેનાથી પશુપાલકોને વર્ષે દહાડે પશુ દાણની ખરીદીમાં થતા ખર્ચમાં 95 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળે મહત્વનો નિર્ણય લેતાં બનાસદાણની પ્રતિ બેગ રૂપિયા 80નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બનાસદાણમાં ભાવ ઘટાડાથી પશુપાલકોને પશુપાલનમાં ખર્ચમાં પણ ઘટાડો થશે.
બનાસડેરીના એમ.ડી.સંગ્રામ સિંહ ચૌધરીના જણાવ્યા મુજબ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને નિયામક મંડળે બનાસ દાણમાં કરેલા રૂ.80ના ભાવ ઘટાડાને પગલે વર્ષ દરમિયાન 5 લાખથી વધુ પશુપાલકોને રૂ.95 કરોડની બચત થશે. જેથી દુધ ઉત્પાદનનો ખર્ચ પણ ઘટશે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં રણમાં મીઠી વીરડી સમી બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય કરાયો છે. બનાસ ડેરીએ 1લી જુલાઈથી બનાસ દાણમાં બોરીદીઠ રૂ.80નો ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે. હાલ બનાસદાણની બોરી 1580 રૂપિયામાં મળે છે. જેમાં ભાવ ઘટાડા બાદ રૂપિયા 1500માં પશુપાલકોને બનાસદાણની બોરી મળશે.