
Patan news: પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આધેડ મહિલાની હત્યા અને ચોરીના બનાવ બાદ ચકચાર મચી હતી. જે બાદ પોલીસે આ કેસને ઉકેલીને આરોપીને ઝડપી પાડી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી નાખ્યો હતો. જેમાં પૈસાની તંગીને લીધે ફોઈ સાસુની જમાઈએ હત્યા કરી દાગીના લઈ આરોપી ફરાર થયો હતો. જે બાદ પોલીસે ટેક્નિકલ સોર્સથી આરોપી જમાઈને ઝડપી લીધો હતો.
મળતી વિગતો અનુસાર, પાટણ શહેરમાં એક આધેડ મહિલાની કરપીણ રીતે હત્યા અને તે બાદ ચોરીની ઘટના બની હતી. જેથી પોલીસને આ કેસને ઉકેલવામાં ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. પાટણ એલસીબીની ટીમે જો કે, ગણતરીના કલાકમાં વિવિધ સોર્સને કામે લગાડીને આરોપીને સકંજામાં લીધો હતો. જે બાદ હત્યા અને ચોરીને ભેદ પણ ઉકેલી લીધો હતો. બનાવની વિગત એવી છે કે, ભત્રીજા જમાઈ યોગેશ પરમારને છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીડ અને ઘરકંકાસને લઈને ફોઈ સાસુને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
આરોપી યોગેશ પરમાર હત્યાને અંજામ આપ્યા બાદ સોનાના દાગીનાની ચોરી કરી ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. જે બાદ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને પંચનામું કરી હત્યા પાછળના કારણોની પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો બાદમાં પીએમ રિપોર્ટમાં હત્યા સામે આવતા પોલીસે પોતાની રીતે વધુ તપાસ તેજ કરી જેમાં પાટણ એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી પાંચ લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ મોબાઇલ કબ્જે કર્યો હતો, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.