
આજે, 1 જૂને, IPL 2025 ફાઈનલમાં પહોંચવા માટે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2માં ટકરાશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની PBKSની ટીમ ક્વોલિફાયર-1માં હારી ગઈ હતી, તેમાં તેની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી, જ્યારે હાર્દિક પંડ્યા અને ટીમે એ જ પીચ પર એલિમિનેટર મેચમાં 200થી વધુ રન બનાવ્યા હતા. આજે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટે ઝડપથી વિકેટ લેવી પડશે, જ્યારે પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઈંગ્લિસ પર સારી શરૂઆત આપવાની જવાબદારી રહેશે. આજના મુકાબલામાં પંજાબ અને મુંબઈના કેટલાક ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
પ્રિયાંશ આર્ય વિરુદ્ધ ટ્રેન્ટ બોલ્ટ
ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પહેલી ઓવર બોલિંગ કરે છે, અને મોટાભાગે તે પહેલી ઓવરમાં વિકેટ પણ લે છે. પ્રિયાંશ આર્યએ શરૂઆતમાં બોલ્ટ સામે કાળજીપૂર્વક રમવું પડશે. આ લડાઈ રોમાંચક રહેશે, કારણ કે પ્રિયાંશની રમત ધીમી નથી પણ શરૂઆતથી જ આક્રમક છે. આજે આ લડાઈ કોણ જીતે છે તે જોવાનું રહેશે. અત્યાર સુધીમાં પ્રિયાંશ 15 મેચમાં 431 રન બનાવી ચૂક્યો છે. બોલ્ટની વાત કરીએ તો, તેણે 15 મેચમાં 21 વિકેટ લીધી છે.
જોશ ઈંગ્લિસ વિરુદ્ધ જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહને આજે નવો બોલ આપી શકાય છે કારણ કે એલિમિનેટરમાં પણ તેણે શરૂઆતની ઓવરો ફેંકી હતી, જ્યારે પહેલા તે મિડલ ઓવર્સમાં બોલિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, તેનો સીધો મુકાબલો જોશઈંગ્લિસ સાથે થશે, તે તેની આક્રમક રમત માટે પણ જાણીતો છે. ઈંગ્લિસ શરૂઆતમાં સારું પ્રદર્શન નહતો કરી રહ્યો પરંતુ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં તે સારો દેખાતો હતો. બુમરાહ 11 મેચમાં 18 વિકેટ લઈ ચૂક્યો છે અને ઈંગ્લિસે 9 મેચમાં 201 રન બનાવ્યા છે.
રોહિત શર્મા વિરુદ્ધ અર્શદીપ સિંહ
પંજાબનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રાઈટી બેટ્સમેન રોહિત શર્માને મુશ્કેલીમાં મૂકી શકે છે. રોહિતે છેલ્લી મેચમાં 81 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તેના 2 અને 12 રન પર સરળ કેચ પણ છૂટ્યા હતા. રોહિતને અર્શદીપથી દૂર રહેવું પડશે. અર્શદીપે અત્યાર સુધીમાં 15 મેચમાં 18 વિકેટ લીધી છે. રોહિતે 14 ઈનિંગ્સમાં 410 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે.
કાઈલ જેમીસન વિરુદ્ધ જોની બેરસ્ટો
આજે કાઈલ જેમીસન અને બેરસ્ટો વચ્ચે પણ ટક્કર જોવા મળી શકે છે. બેરસ્ટોને ફક્ત પ્લેઓફ મેચો માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેણે એલિમિનેટર મેચમાં 22 બોલમાં 47 રન બનાવ્યા હતા. જેમીસને બેરસ્ટોને ઝડપથી આઉટ કરવો પડશે, કારણ કે જો તે ક્રીઝ પર સેટ થઈ ગયો, તો બોલરો માટે તેને આઉટ કરવો મુશ્કેલ થશે. જોકે જેમીસન પણ ફક્ત 2 મેચ રમ્યો છે, અને તેણે ફક્ત 1 વિકેટ લીધી છે, પરંતુ તે વિકેટ વિરાટ કોહલીની હતી.
હાર્દિક પંડ્યા વિરુદ્ધ શ્રેયસ અય્યર અને માર્કસ સ્ટોઈનિસ
આજે બંને ટીમોના કેપ્ટન વચ્ચે પણ લડાઈ જોવા મળશે. હાર્દિક પંડ્યા આ સિઝનમાં બોલિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, તે અય્યર સામે બોલિંગ કરી શકે છે. આ સમય દરમિયાન, માર્કસ સ્ટોઈનિસ પણ બેટિંગ પર હોઈ શકે છે, તેથી તે બંને પંડ્યાને નિશાન બનાવી શકે છે. પંડ્યાએ આ સિઝનમાં 14 મેચમાં 209 રન બનાવ્યા છે અને 13 વિકેટ લીધી છે. અય્યરે 15 ઈનિંગ્સમાં 516 રન બનાવ્યા છે. સ્ટોઈનિસ શરૂઆતમાં સારું પ્રદર્શન નહતો કરી રહ્યો પરંતુ છેલ્લી 2 મેચમાં તે સારો દેખાઈ રહ્યો છે. તેણે 9 ઇનિંગ્સમાં 152 રન બનાવ્યા છે, જોકે તે કોઈ વિકેટ નથી લઈ શક્યો.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
PBKS: પ્રિયંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર, કાઈલ જેમીસન, વિજય કુમાર વૈશાખ.
MI: રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રિચાર્ડ ગ્લીસન.