
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નહીં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગુરુવારે ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં તેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. ભૂતકાળમાં પણ ભારતની અંદર ઘણી વખત વિમાન દુર્ઘટના બની છે. જેમાં ઘણાં દિગ્ગજ નેતાઓનું પણ મોત થયું છે. કોંગ્રેસના નેતા માધવરાજ સિંધિયા, વાયએસઆર, સંજય ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. હોમી જહાંગીર ભાભાનું 24 જાન્યુઆરી, 1966ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ 101માં એક દુ:ખદ અકસ્માતમાં અવસાન થયું હતું.
સંજય ગાંધી
પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ વર્ષ 1980માં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. 23 જૂન, 1980ના રોજ વહેલી સવારે સંજય ગાંધીએ હવાઈ સ્ટંટ કરતી વખતે પોતાના વિમાન પરનો કાબુ ગુમાવ્યો અને બાદમાં વિમાન નવી દિલ્હીના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ક્રેશ થયું. કેપ્ટન સુભાષ સક્સેનાનું પણ આમાં મોત થયું.
માધવરાવ સિંધિયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયાનું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ કાનપુરમાં એક રેલી દરમિયાન વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. દસ સીટવાળું પ્રાઈવેટ જેટ યુપીના મૈનપુરીમાં ખરાબ હવામાનનો ભોગ બન્યું હતું.
જીએમસી બાલયોગી
લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી આવી રહેલું એક ખાનગી હેલિકોપ્ટર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થતાં બાલયોગીનું મોત થયું હતું.
સાયપ્રિયન સંગમા
મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા નવ અન્ય લોકો સાથે પવન હંસ હેલિકોપ્ટર મારફતે ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સંગમાએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમનું હેલિકોપ્ટર રાજ્યની રાજધાનીથી માત્ર ૨૦ કિમી દૂર બારપાની તળાવ પાસે ક્રેશ થયું.
ઓમ પ્રકાશ જિંદાલ
હરિયાણાના દિગ્ગજ નેતા અને મંત્રી ઓમ પ્રકાશ જિંદાલનું 2005માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમની સાથે મંત્રી સુરેન્દ્ર સિંહ પણ હતા અને તેઓ દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન યુપીના સહારનપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં બંને નેતાઓના મોત થયા હતા.
દોરજી ખાંડુ
30 એપ્રિલ, 2011ના રોજ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુ ઉપરાંત અન્ય ચાર લોકોના મોત થયા હતા. તવાંગથી ઇટાનગર લઈ જતું હેલિકોપ્ટર પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થતાં મોત થયું હતું.
વાયએસઆરસીપી
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું 2009માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. 2 સપ્ટેમ્બર 2009ના રોજ બનેલી આ ઘટનામાં વાયએસઆર તેમના બેલ 430 હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહ્યા હતા. નલ્લામાલાના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમનું મોત થયું હતું.
મોહન કુમારમંગલમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સ્ટીલ અને ખાણ મંત્રી, 1973 માં નવી દિલ્હી નજીક ઇન્ડિયન એરલાઇન્સ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.
ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત અને વૈજ્ઞાનિકનું મોત
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર, 2021 ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું. આ ઘટના તમિલનાડુના કુન્નુર નજીક બની હતી જ્યારે તેઓ તેમની પત્ની અને અન્ય 11 લોકો સાથે સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા.