
Ahmedabad Plane Crash: અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે ગત 12મી જૂન ગુરુવારની બપોરે 1.38 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો હતો. કારણ કે, અમદાવાદ એરપોર્ટથી ઉપડીને લંડન જતી એર ઈન્ડિયાના વિમાને ટેક ઑફ કર્યાના માંડ ગણતરીના સેકંડોમાં બી.જે.મેડિકલ કૉલેજના હૉસ્ટેલ પાસે ધરાશાયી થયું હતું. આ હતભાગી વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હતા. જેઓનું પણ આ વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. હવે વિમાન અકસ્માતને એક સપ્તાહ જેટલો સમય પસાર થઈ ચુક્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ ૨૪૭ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૩૨ મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.
અમદાવાદથી સીધી લંડન જતી ફલાઈટનું એકાએક ક્રેશ થઈ જવાથી તેમાં સવાર પ્રવાસીઓનાં મોત થયા હતા. જો કે, અમદાવાદ સિવિલ તંત્રએ ભારે જહેમતબાદ ડીએનએ સેમ્પલ લીધા બાદ મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી કરી હતી. જેમાં 15 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવદેહ ઝડપથી સોંપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારો સાથે સંપર્કમાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, 247 મૃતકોમાં 175 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 209 પાર્થિવદેહોને સડક માર્ગે તથા 23 પાર્થિવદેહોને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા છે એમ ડો.જોશીએ જણાવ્યું હતું.
આ સિવાય તેમને વધુમાં ઉમેર્યું હતું કે, ઉદયપુર 7, વડોદરા 22, ખેડા 11, અમદાવાદ 66, મહેસાણા 7, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 26, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 1, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 2, દીવ 14, જૂનાગઢ 1, અમરેલી 2, ગીર-સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 8, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1, મુંબઈ 10, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1, ખંભાત 2 અને પૂણે 1ના પાર્થિવદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવદેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓએ દુર્ઘટના ઘટી એ દિવસથી લઈને આજ સુધી ખડેપગે કામગીરી કરી છે.