
સોશિયલ મીડિયામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના ગ્રૂપ દ્વારા સામસામે પોસ્ટ વોર ચાલી રહ્યું છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પોસ્ટ કરી હતી કે, '27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવી રહ્યો છે સ્વાગતની કરો તૈયારી' આ પોસ્ટ બાદ ગણેશ ગોંડલે પણ અલ્પેશ કથીરિયાની સામે પોસ્ટ કરી હતી કે, ભગવતભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર....' આવી પોસ્ટ કરતાં હવે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે.
જણાવી દઈએ કે, રાજકોટના ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે ગોંડલ શહેરમાં પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સામસામેની પોસ્ટનો દોર શરૂ થયો છે. તાજેતરમાં ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી જાહેર સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જીગીશા પટેલ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.
ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી જાહેર સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા પર 2015ના પાટીદાર આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવકોના મોતનો આરોપ મૂક્યો હતો અને તેમને ગોંડલને બદનામ કરનાર ગણાવ્યા હતા. આ ઉપરાંત જાડેજાએ પાટીદાર સમાજના નેતાઓને ટોળકી યુદ્ધ કરી કલ્યાણ કરવું હોય તો તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. બંને નેતાઓના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા પર સામસામે પોસ્ટ કરીને વિવાદને વધુ હવા આપી છે.