
કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, પીપીએફ ખાતામાં નોમિની અપડેશન માટે હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તદ્દન મફતમાં આ સેવાનો લાભ લઈ શકાશે. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે.
નાણા મંત્રીએ આપી માહિતી
સરકારે નોટિફિકેશન મારફત પીપીએફ ખાતામાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિનીની વિગતો અપડેટ કરવા માટે અમુક નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. જે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે.
https://twitter.com/nsitharaman/status/1907683094821519837
રૂ. 50 લાગુ હતો ચાર્જ
સરકારે બીજી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિની અપડેશન પર લાગુ તમામ ચાર્જ દૂર કરવામાં આવ્યા છે. સરકારી બચત સંવર્ધન સામાન્ય નિયમ 2018માં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકાર દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે નોમિની રદ કરવા તેમજ તેમાં ફેરફાર કરવા માટે ચાર્જ પેટે રૂ. 50 વસૂલવામાં આવતા હતા.
ચાર નોમિની સામેલ કરવાની સુવિધા
પીપીએફમાં નોમિની અપડેશન મફત કરવાની સાથે બૅન્કિંગ સુધારા બિલ 2025 હેઠળ બૅન્કોના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લોકર, એફડીના ખાતેદારોની જેમ પીપીએફ ખાતેદારો પણ ચાર નોમિની સામેલ કરી શકશે.
સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ
પીપીએફમાં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. ટેક્સમાં બચતનો વિકલ્પ હોવાથી તેમાં રોકાણ કરતાં હોય છે. રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મમાં સુરક્ષિત રોકાણ અને મોટું ફંડ બનાવવાની આ શ્રેષ્ઠ રીત છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણ પર કલમ 80 (સી) હેઠળ રૂ. 1.50 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. પીપીએફમાં રોકાણ પર સરકાર હાલ 7.1 ટકા વ્યાજ આપી રહી છે. જેમાં ફુગાવાના આધારે ફેરફાર થતો હોય છે.