
તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં અકાળ બાળ જન્મ અને વાયુ પ્રદૂષણ વચ્ચેની કડીનો પર્દાફાશ થયો છે. એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં બે ઘટકો કોર્ટેક્સોલોન અને લાઈસોપી (20:3) ઓળખી કઢાયા છે જેનાથી ટૂંક સમય માટે પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અકાળ જન્મનું જોખમ વધી જાય છે. ખાસ કરીને શહેરોમાં ભારે ગીચ વિસ્તારોમાં આ જોખમ વધુ રહે છે. જોખમની ગંભીરતા જોતા નિષ્ણાતોએ સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોને તકેદારીના પગલા લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે.
વાયુ પ્રદૂષણ મહત્ત્વની પર્યાવરણીય ચિંતા રહ્યું છે અને તેનાથી સગર્ભા મહિલાઓ અને ગર્ભમાં રહેલા બાળકના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમ્યાન નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા બારીક પ્રદૂષકોનો સંપર્ક વિવિધ પ્રતિકૂળ પરિણામો તરફ દોરી શકે છે.
અમેરિકામાં એમોરી યુનિવર્સિટીના સંશોધનકોએ એટલાન્ટા મેટ્રોપોલિટન ક્ષેત્રમાં 330 આફ્રિકન તેમજ અમેરિકન સગર્ભા મહિલાઓના લોહીના નમૂનાનું વિશ્લેષણ કર્યું. ટીમે જણાવ્યું હતું કે જ્યાંથી ઘણા હાઇવે પસાર થાય છે તેવા શહેરના ડાઉનટાઉન અને મિડટાઉન વિસ્તારોમાં રહેતી મહિલાઓ શહેરની બહાર રહેતી મહિલાઓની તુલનામાં એક વર્ષ દરમિયાન પ્રદૂષણના સંપર્કમાં વધુ રહી હતી. વાહનોમાંથી નીકળતો ધુમાડો પીએમ 2.5 પ્રદૂષણ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.
આ તારણો ગર્ભાવસ્થાના પરિણામો પર વાયુ પ્રદૂષણની નકારાત્મક અસર કરતી જૈવિક માર્ગોની આપણી સમજને વધુ ગાઢ બનાવે છે. એમોરી યુનિવર્સિટી ખાતે પર્યાવરણ આરોગ્ય નિષ્ણાત અને અભ્યાસના મુખ્ય સંશોધક ડોનઘાઈ લિયાન્ગે આ સફળતાના મહત્ત્વને સમજાવતા કહ્યું કે આવા જોખમોમાં ફાળો આપતા વિશિષ્ટ સુક્ષ્મ કણોને નિર્ધારીત કરવામાં સહાયક રહેશે.
વાયુ પ્રદૂષણ, ખાસ કરીને સૂક્ષ્મ કણો (પીએમ 2.5), નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો લાંબા સમયથી બાળકોમાં જન્મ સમયે ઓછું વજન, વિકાસમાં વિલંબ અને લાંબા ગાળાની મગજ સંબંધિત અને વર્તણૂકીય સમસ્યાઓ જેવી ગૂંચવણો સાથે સંકળાયેલા છે. આ પ્રદૂષકો ગર્ભના વિકાસને સીધી અસર કરીને પ્લેસેન્ટલ અવરોધને પાર કરી શકે છે.
આ જોખમોનો સામનો કરવા નિષ્ણાતોએ સગર્ભા મહિલાઓને કેટલાક સાવચેતીના પગલા લેવાની સલાહ આપી છે જેમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નિયમિત ધ્યાન આપવું, વધુ પ્રદૂષણ હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિ મર્યાદિત રાખવી, એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો તેમજ રહેવાની જગ્યામાં સ્વચ્છતા રાખવી, ભીડવાળા રસ્તાઓ અને ઔદ્યોગિક વિસ્તારો ટાળવા, પોષણયુક્ત,એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર ખોરાક ખાવો જેથી પ્રદૂષણની અસરોનો અસરકારક રીતે સામનો થઈ શકે.
વાયુ પ્રદૂષણ વૈશ્વિક સ્તરે જ્યારે સતત વધી રહ્યું છે ત્યારે આવા રક્ષણાત્મક પગલા જરૂરી છે. જાહેર સજાગતા અને તકેદારીભર્યો વ્યવહાર આ અદ્રશ્ય પણ ગંભીર જોખમ સામે માતા અને બાળકના આરોગ્યનું રક્ષણ કરવા માટે મહત્ત્વના છે.