
અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલાં વિમાન મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રાજકીય જગત ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમના યોગદાનને યાદ કરીને અનેક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ
વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ આવતીકાલે (શનિવાર) કરવામાં આવશે. તેમના પુત્રની યુએસથી અમદાવાદ આગમન થઇ રહી છે, જે આજે વહેલી સવારે લગભગ 4 વાગે પહોંચશે. ત્યારબાદ પરિવારજનો અમદાવાદથી રાજકોટ જશે અને અંતિમ વિધિ રાજકીય સન્માન સાથે યોજાશે. તેમના અવસાનને લઈને રાજકોટ શહેરમાં શાળા સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રદ્ધાંજલિ પાઠવાશે
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જાહેરાત કરી છે કે આવતીકાલે રાજકોટ શહેરની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. શહેરની અંદાજે 600થી વધુ ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. શાળાઓના બંધને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ સંબંધિત શાળા તરફથી જાણ કરવામાં આવી રહી છે. શહેરમાં શાંત અને ગંભીર વાતાવરણ વચ્ચે સમગ્ર શિક્ષણજગત શોકમગ્ન બન્યું છે.