Home / India : MLA Kanwarlal Meena got angry and punched a worker

Delhi ni Vat: 'મારે જેલમાં જવું પડે એમ છે ત્યારે તું નારાબાજી કરે છે' કહી ધારાસભ્યે કાર્યકરને ઝુડી નાંખ્યો

Delhi ni Vat: 'મારે જેલમાં જવું પડે એમ છે ત્યારે તું નારાબાજી કરે છે' કહી ધારાસભ્યે કાર્યકરને ઝુડી નાંખ્યો

- ઈન્દર સાહની

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નાગાલેન્ડમાં એનસીપી (અજીત પવાર)ના તમામ ૭ ધારાસભ્યોએ પાટલી બદલીને સત્તામાં રહેલા એનડીપીપી સાથે જોડાઈ ગયા છે. આ બાબતથી વ્યથિત થવાને બદલે અજીત પવારે વિચિત્ર વાત કરી છે. પવારે કહ્યું હતું કે, 'ધારાસભ્યો ફરિયાદ કરતા હતા કે રાજ્યમાં એમના કામ નથી થતા. થોડા સમય પહેલા મને મળવા માટે તેઓ દેવગીરી બંગલે આવ્યા હતા. બધા ધારાસભ્યો બેચેન હતા.' એનસીપી (અજીત પવાર)ના કેટલાક નેતાઓએ કોહીમા પહોંચીને નાગાલેન્ડ યુનિટના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી ડિટેઇલ રીપોર્ટ બનાવ્યો છે. આ રીપોર્ટ અજીત પવારને આપવામાં આવશે. અજીત પવાર એક તરફ ધારાસભ્યોની મજબૂરી ગણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ એમ પણ કહે છે કે, એનડીપીપીએ એમના ધારાસભ્યોને તોડીને ગઠબંધન ધર્મનું અપમાન કર્યું છે. એનડીએની હવે પછીની બેઠકમાં અજીત પવાર આ મુદ્દો ઉઠાવશે.

સીડીએસએ જે વાત કરી એ જ વાત રાહુલ ગાંધીએ કરી હતી : કોંગ્રેસ

સીડીએસ અનિલ ચૌહાણએ એવું કહ્યું હતું કે, મહત્વની વાત એ નથી કે વિમાન તોડી પાડવામાં આવ્યું હતું, સવાલ એ છે કે, વિમાન તૂટયું શા માટે. કોંગ્રેસ પક્ષે સીડીએસનું આ નિવેદન ઉપાડી લઈ એવો પ્રચાર કર્યો કે સીડીએસએ કબુલ કર્યું છે કે ભારતનું ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ જ વાત જ્યારે રાહુલ ગાંધીએ કરી હતી ત્યારે ભાજપએ એમની ટીકા કરી હતી. હવે સરકારે વિમાન તૂટી પડાયાની વાત સ્વિકારી લેવી જોઈએ. તેલંગાણા સરકારના મંત્રી અને ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાયલટ ઉત્તમ રેડ્ડીએ કહ્યું છે કે, રાફેલ તૂટી પડવાની વાત સીડીએસ પોતે સ્વિકારે છે તો સરકારે સત્ય સ્વિકારી લેવું જોઈએ. ભારતીય વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહએ ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરીમાં મોડું થવાની જે ટીકા કરી છે એ પણ ચિંતાજનક છે.

જાસૂસી માટે પાકિસ્તાન કેવા ભારતીઓને પસંદ કરે છે

ઓપરેશન સિંદુર પછી ભારતએ ઘરમાં બેઠેલા દુશ્મનોને શોધવાનું શરૂ કર્યું છે. આ ઓપરેશન પછી ભારતની જાસૂસી એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. ભારતની એજન્સીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓને રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાંથી ૧૫ જેટલા લોકોને પકડયા છે. આ તમામ પર પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પહોંચાડવાનો આરોપ છે. દિલ્હી પોલીસે જાસૂસ કાસીમની ધરપકડ કરી છે. કાસીમે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. કાસીમના સંબંધો આઇએસઆઇ સાથે હતા. એજન્સીઓએ જેમની ધરપકડ કરી છે એ તમામ વચ્ચે કોઈ કનેકશન નથી, પરંતુ આ બધા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા માટે કામ કરતા હતા. મોટા ભાગના જાસૂસો એકથી વધુ વાર પાકિસ્તાન જઈ આવ્યા છે.

'મારે જેલમાં જવું પડે એમ છે ત્યારે તું નારાબાજી કરે છે' કહી ધારાસભ્યે કાર્યકરને ઝુડી નાંખ્યો

આપણા દેશમાં સામાન્ય રીતે કોઈપણ ધારાસભ્યની આજુબાજુ ૮થી ૧૦ ચમચાઓનું ટોળું હંમેશા હોય છે. આ બધા કાર્યકરો જે તે ધારાસભ્યની તરફેણમાં સૂત્રો પોકારતા રહે છે. સામાન્ય રીતે ધારાસભ્યો આવા સૂત્રો સાંભળીને ખુશ થાય છે. જોકે રાજસ્થાનના બાંરા જિલ્લામાં કંઈક અલગ જ થયું. કાર્યકર્તાઓ ધારાસભ્યને ખુશ કરવા સૂત્રો પોકારતા હતા. સૂત્રો સાંભળીને ધારાસભ્ય કંવરલાલ મીના નારાજ થઈ ગયા અને એક કાર્યકર્તાને પકડીને મુક્કો મારી દીધો. ધારાસભ્ય એક જૂના કેસ સંદર્ભે ઝાલાવાડની કોર્ટમાં આવ્યા હતા. તેઓ કારની બહાર નીકળતા હતા ત્યારે એક કાર્યકરે એમની તરફેણમાં હાથ ઉંચો કરીને સૂત્રો બોલવાના શરૂ કર્યા. ધારાસભ્ય એકાએક ઉશ્કેરાઈ ગયા અને કાર્યકર્તાની ધોલાઈ કરી નાખી. આ બનાવનો વિડિયો વાયરલ થયો છે.

નિતિશકુમાર સાથેની મુલાકાત પછી ચિરાગે વિધાનસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારનું રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ચર્ચામાં છે. ૨૦૨૦ વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ચિરાગે જેડીયુની સામે તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખીને બધાને આંચકો આપ્યો હતો. ચિરાગનો પક્ષ ભલે બિહાર વિધાનસભામાં ધારાસભ્ય વગરનો પક્ષ બન્યો પરંતુ જેડીયુને ત્રીજા નંબરે મોકલવામાં એને સફળતા મળી હતી. હવે ચિરાગ પાસવાન એનડીએમાં છે. ચિરાગ પાસવાન દિલ્હી આવીને નિતિશકુમારને મળ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ચિરાગ વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી બાબતે નિતિશકુમારને મળ્યા હતા. એમ મનાય છે કે નિતિશને મળ્યા પછી ચિરાગે વિધાનસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય બદલ્યો હોવાનું મનાય છે.

ઇન્ડિયા ગઠબંધન તૂટવાનુ શરૂ, આપએ અલગ ચોકો રચ્યો

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડયો છે. આમ આદમી પાર્ટીએ કોઈપણ પક્ષ સાથે જોડાણ કર્યું હોવાનો ઇન્કાર કર્યો છે. આપના પ્રવક્તાએ કહ્યું છે કે આપ પોતાની તાકાત પર બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. દિલ્હી વિધાનસભાની હાર પછી હવે આપ પંજાબ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. આપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક અનુરાગ ઢાંડાએ કહ્યું છે કે, 'અમે કોઈપણ પક્ષ સાથે જોડાણ કરવાના નથી. અમારી પાસે પોતાની તાકાત છે. અમે એકલા આગળ વધશું.' ઇન્ડિયા ગઠબંધન બાબતે એમણે કહ્યું હતું કે એ તો ફક્ત લોકસભાની ચૂંટણી માટે જ હતું. હમણા આમ આદમી પાર્ટી કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવામાં વ્યસ્ત છે.

રાહુલે ગુમાવેલો બંગલો, શૈલજાને મળ્યો

હરિયાણા વિધાનસભામાં પોતાના ઝઘડી રહેલા જૂથો વચ્ચે કોંગ્રેસને વિપક્ષી નેતાનું સમાધાન કરવામાં નિષ્ફળતા મળી છે, પણ હૂડા વિરોધી જૂથનો ચહેરો કુમારી શૈલજાને લાભ થયો છે. સિરસામાંથી પાર્ટીની વરિષ્ઠ સાંસદ રહેલી શૈલજાને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું એક સમયે રહેલું ઘર મળ્યું છે. અહીં બે દાયકા રહ્યા પછી કોંગ્રેસી નેતાએ ૨૦૨૩માં બદનક્ષી કેસમાં ગેરલાયક ઠરતા આ ઘર છોડવું પડયું હતું. સજા પર સ્ટે હોવા છતાં તેઓ બંગલામાં પાછા ન ફર્યા અને ૧૦, જનપથ ખાતે તેની માતા સાથે રહ્યા. વિપક્ષી નેતા બન્યા પછી તેમને સંસદ નજીક વધુ વિશાળ બંગલો ફાળવાયો.

અન્નામલાઈને રાજ્યસભામાં જવાની તક ન મળી

તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે સહયોગમાં અવરોધ ન થાય તેના માટે તમિલનાડુના ચીફ તરીકે હટાવવામાં આવેલા કે.અન્નામલાઈનો આ વર્ષે રાજ્યસભામાં સમાવેશ નહિ થઈ શકે કારણ કે ભાજપના સહયોગી એઆઈએડીએમકેએ પોતાના બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. રાજ્યની ૨૩૪ બેઠકોમાંથી બે સભ્યો મોકલવાનું સંખ્યાબળ એઆઈએડીએમકે પાસે છે જ્યારે ડીએમકે પાસે ચાર સભ્યોનું બળ છે. ભાજપે તેને ટીડીપી જેવા સહયોગીઓના ક્વોટામાંથી સ્થાન અપાવવાનો પ્રયાસ કર્યો પણ આ વખતે તે શક્ય ન બન્યું. ભાજપ રાજ્ય પ્રમુખે જણાવ્યું કે અન્નામલાઈને યોગ્ય સમયે પાર્ટીના કેન્દ્રીય સ્તરે નિયુક્ત કરવામાં આવશે.

જબલપુરમાં દિગ્વિજય સિંઘનું રાજકીય નાટક

જબલપુરમાં કોંગ્રેસ પાર્ટીની જય હિંદ સભા ખાતે રાજકીય નાટક ભજવાઈ ગયું.  કમલનાથ, ભુપેશ બઘેલ, જિતુ પટવારી, વિવેક તનખા, ધારાસભ્યો અને અન્યો સહિત વરિષ્ઠ પાર્ટી નેતાઓ મંચ પર બેઠા હતા. પણ બે વાર સીએમ રહી ચુકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘ મંચ પર બેઠક માટે લડતા પાર્ટીના કાર્યકરોમાં વધતી અશિસ્ત વિશે સંદેશ આપવા ભીડમાં પહેલી કતારમાં બેસી ગયા. અગાઉ ૨૮ એપ્રિલે ગ્વાલિયરમાં પાર્ટીની સંવિધાન બચાવો રેલી ખાતે બેઠકોની વ્યવસ્થા બાબતે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે તડાફડી મચી હતી. મંચ પર બેસી ગયેલા પક્ષના પ્રવક્તાએ વારંવાર વિનંતી છતાં અન્ય વરિષ્ઠ નેતા માટે જગ્યા ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો. આ ઘટનાથી નારાજ થયેલા દિગ્વિજયે જાહેર કરી દીધું કે ભવિષ્યમાં કોઈપણ પ્રસંગે તેઓ મંચ પર નહિ બેસે. તેમને અન્ય નેતાઓએ વિનંતી કરી હોવા છતાં તેઓ મંચ પર ન બેઠા.

શર્મિષ્ઠા પનોલીની ધરપકડના મુદ્દે કોંગ્રેસ ભાજપ એક જ કતારમાં

૨૨ વર્ષીય કાયદાની વિદ્યાર્થી અને ઈન્ફ્લ્યુઅન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડની ભારે ટીકા થઈ રહી છે. પણ પશ્ચિમ બંગાળમાં શાસક ટીએમસી માટે નવી સમસ્યા ઊભી થઈ છે. તેનાથી ઓછામાં ઓછું આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ એક જ લાઈનમાં આવી ગયા છે. શર્મિષ્ઠાની કોલકતા પોલીસે હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી શુક્રવારે રાત્રે તેના વિરુદ્ધ દાખલ થયેલી એફઆઈઆરના સંબંધમાં  ધરપકડ કરી હતી. તેના પર ઓપરેશન સિંદૂર દરમ્યાન મુસ્લિમોના પયગંબર વિશે કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંબરમે પોલીસના આ પગલાને સત્તાના દુરુપયોગ તરીકે લેખાવ્યું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે આંતરરાજ્યો ધરપકડ પોલીસની સત્તાનો દુરુપયોગ છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ શાસક ટીએમસી પર હિન્દુઓને લક્ષ્યાંક બનાવવાનો આરોપ કર્યો. તેમણે યાદ અપાવ્યું કે મમતાએ પોતે જ મહાકુંભને મૃત્યુ કુંભ, જય શ્રી રામને અપશબ્દ ગણાવ્યા હતા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ. મહુઆ મોઈત્રાએ માતા કાલી વિશે પણ અનેકવાર અપશબ્દો ભરી પોસ્ટ કરી હતી પણ તેની સામે પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ.

Related News

Icon