
પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમ, જે પોતાનું પહેલું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે, તેને રવિવારે (1 જૂન) IPLની બીજી ક્વોલિફાયરમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) નીટીમ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો માટે આ છેલ્લી તક હશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની PBKSને પ્રથમ ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેનો આત્મવિશ્વાસ ચોક્કસપણે ડગમગી ગયો હતો.
જો PBKSની ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માંગતી હોય, તો તેણે આ મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. આ મેચ બંને ટીમો માટે સેમીફાઈનલ જેવી છે. MI એ એલિમિનેટરમાં ટાઈટલના દાવેદાર GTને હરાવીને તેના છઠ્ઠા ટાઈટલ તરફ વધુ એક પગલું ભર્યું હતું. આ જીત ચોક્કસપણે MIનો આત્મવિશ્વાસ વધારશે. RCB અને PBKSની તુલનામાં, MIની ટીમને નોકઆઉટ તબક્કામાં જીતવાનો વધુ અનુભવ છે.
MIના હેડ કોચ મહેલા જયવર્ધને સામે તેની ટીમને સંગઠિત રાખવાનો પડકાર રહેશે. જોકે, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટને અત્યાર સુધી આ ભૂમિકા સારી રીતે ભજવી છે. તેણે ગઈ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા નંબર પર રહેલી MIને આ વર્ષે પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અય્યર અને પોન્ટિંગની જોડી માટે પડકાર
PBKSમાં કેપ્ટન શ્રેયસ અય્યર અને હેડ કોચ રિકી પોન્ટિંગની જોડી માટે પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તેના ખેલાડીઓ છેલ્લી મેચમાં મળેલી કારમી હાર ભૂલી જાય. આ સાથે કેટલાક ખેલાડીઓના બહાર રહેવાને કારણે બોલિંગ વિભાગમાં આવેલા પડકારોનો સામનો કરવા માટે પોતાની ઉર્જા લગાવે. આનાથી તેના મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર દબાણ વધી રહ્યું છે.
માર્કો યાન્સનની ગેરહાજરી અને IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર સિંહ ચહલની ગેરહાજરી ટીમ માટે સમસ્યા બની ગઈ છે કારણ કે આ ખેલાડીઓની જગ્યાએ તેણે જે વિકલ્પો અજમાવ્યા હતા તે અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. આની ભરપાઈ કરવા માટે, PBKSના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. RCB સામેની છેલ્લી મેચમાં, તેના બેટ્સમેન પણ નિષ્ફળ ગયા હતા અને ટીમ મેનેજમેન્ટ હવે સારી રીતે જાણે છે કે કોઈપણ વિભાગમાં ભૂલ કરવાથી તેનું પરિણામ ભોગવવું પડશે.
રોહિત ફરી ફોર્મમાં આવ્યો
MIની વાત કરીએ તો, અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ શરૂઆતમાં મળેલા બે જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને GT સામે મોટી ઈનિંગ રમી. રોહિત ફરી ફોર્મમાં આવ્યો છે અને PBKSના બોલરો માટે તેને રોકવો સરળ નહીં હોય.MIની ટીમમાં કોઈ ખામી નથી કારણ કે તેણે રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે.
ફાઈનલમાં પહોંચવા માટે, તેની ટીમ મોટે ભાગે રોહિત, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર નિર્ભર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચનું પરિણામ મોટાભાગે બોલરોના પ્રદર્શન પર નિર્ભર રહેશે, કારણ કે અહીંની પિચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે જેના પર ખૂબ મોટા સ્કોર બનાવવામાં આવ્યા છે.