
- વિચાર-વીથિકા
શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંતરંગ સહયોગી, શુદ્ધ પ્રેમમાં માથાબૂડ તરબોળ શ્રી લોકનાથ ગોસ્વામી વ્રજભૂમિમાં રહેનારા ગોસ્વામીઓમાં સૌથી મોટા હતા. શ્રી લોકનાથ ગોસ્વામીનો જન્મ શ્રી અદ્વૈતાચાર્યજીના શિષ્ય શ્રી પદ્મનાભ ભટ્ટાચાર્ય અને સીતાદેવી થકી બંગાળના જૈસોરના તાલખડી ગામમાં સંવત ૧૫૪૦માં થયો હતો. બાળપણમાં પિતાજી પાસેથી જ વ્યાકરણ, ન્યાય વગેરેનું અધ્યયન કરી ગ્રંથોના અભ્યાસ માટે શાંતિપુરવાસી શ્રી અદ્વૈતાચાર્યજીની પાઠશાળામાં ગયા હતા. ત્યાં તેમણે વેદ-ઉપનિષદ-પુરાણોનો અભ્યાસ કર્યો. તે પછી પ્રેમાવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુનો મહિમા તેમના મનમાં પડયો. તે તેમના દર્શન અને મેળાપ માટે અત્યંત ઉત્કંઠા અનુભવવા લાગ્યા. એ તાલાવેલી એવી તીવ્ર બની કે એક દિવસ રાત્રે કોઇને કહ્યા વગર ચૂપચાપ ઘરેથી નીકળી ગયા. તે આખી રાત ચાલતા રહ્યા. બીજા દિવસે સંધ્યા સમયે તે નવદ્વીપ પહોંચ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે મહાપ્રભુ ચૈતન્યદેવ એક ઘરમાં કીર્તન કરવા ગયા છે.
લોકનાથ ગોસ્વામી તરત ત્યાં પહોંચી ગયા. તેમણે કીર્તન કરતાં ચૈતન્ય મહાપ્રભુના દર્શન કર્યા તો તેમની દૃષ્ટિ તેમના દિવ્ય, દૈદીપ્યમાન સ્વરૂપ પર સ્થિર થઇ ગઇ. પથ્થરની પ્રતિમાની જેમ અડગ ઊભા રહીને ચંદ્રને ચકોર પક્ષી નીરખે તેમ અનિમેષ નજરે શ્રી ચૈતન્ય મહાપ્રભુને જોઇ રહેલા લોકનાથને શ્રી ચૈતન્યદેવે જોયા તો તે બન્ને હાથ લાંબા કરીને તેના તરફ દોડયા અને તેને પ્રેમથી ભેટી પડયા. પ્રેમાવતાર મહાપ્રભુના ભેટવાથી અને એમના દિવ્ય સ્પર્શથી કુમાર લોકનાથના રોમ રોમમાં આનંદ છવાઈ ગયો. એમને લાગ્યું કે એમના અસ્તિત્વમાં અલૌકિક અમૃતનો આવિર્ભાવ થયો છે તે જ ઘડીએ લોકનાથનો કાયાકલ્પ થઇ ગયો. એમને લાગ્યું કે એમના રોમ રોમમાંથી કૃષ્ણ-કૃષ્ણ-કૃષ્ણનો મધુર ધ્વનિ આવી રહ્યો છે. એમના ચિત્તમાં કૃષ્ણ પ્રેમનો ભાવાવેશ ઉદ્ભવ્યો. આ ભાવાવેશની મૂર્છા અને એની મસ્તી પાંચ દિવસ પર્યંત ટકી રહી. ભગવાનની ભક્તિનો અમૃત રસ તો જીવનભર ટકી રહ્યો.
એ પછી છઠ્ઠા દિવસે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ લોકનાથ ગોસ્વામીને ભગવાનના નામનો મહિમા દર્શાવ્યો અને રાગાનુગા ભક્તિની ભૂમિકા બતાવી વૃંદાવનમાં નિવાસ કરવાનો અનુરોધ કર્યો. તેમને કહ્યું - 'ચીર ઘાટ પર કદંબ, તમાલ અને બકુલની સઘન કુંજમાં વૃક્ષ નીચે બેસીને શ્રીરાધા-માધવની પ્રેમભક્તિ કરતા રહેજો. વૃંદાવન અને શ્રીરાધા-માધવની પ્રેમ સાધનાને છોડશો નહીં.'
શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એમના 'શિક્ષાષ્ટક'માં કહ્યું છે - ' चेतोदर्पणंमार्जनं भवमहादावाग्निनिर्वापणं, श्रेयः कैरवचन्द्रिकावितरणं विद्यावधूजीवनम् । आनंदाम्बुघिवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं, सरात्मस्नपनं परं विजयते श्रीकृष्णनामसंकीर्तनम् ।। ભગવાન શ્રીકૃષ્ણના નામ અને ગુણોનું સંકીર્તન સર્વોપરિ છે. તેનો બધા પર વિજય થાય છે. તે ચિત્તરૂપી દર્પણને સ્વચ્છ કરી દે છે, સંસારરૂપી ઘોર દાવાનળને બુઝાવી દે છે, કલ્યાણરૂપી કુમુદ (શ્વેત કમળ)ને તેની ચંદ્રકિરણોની ચાંદનીથી વિકસિત કરનારું છે, વિદ્યારૂપી વધૂને જીવન પ્રદાન કરનારું છે, આનંદના સમુદ્રમાં ભરતી લાવનાર ચંદ્રમાં છે, પગલે પૂર્ણ અમૃતનું આસ્વાદન કરાવનારું અને પૂર્ણ આત્માને શાંતિ અને આનંદના જળમાં સ્નાન કરાવી તેમાં નિમજ્જ કરાવી દેનારું છે.
લોકનાથ ગોસ્વામીએ વૃંદાવન જઇને ત્યાં ચીરઘાટ પર -દેવેશ મહેતા કર્યો. પોતાના માટે પર્ણકુટિ પણ ના બનાવી. તે રાધા-માધવની પ્રેમ સાધના અને એમના નામ સંકીર્તનના આનંદમાં એવા સંતૃપ્ત અને સંતુષ્ટ રહેવા લાગ્યા કે એમની લૌકિક કોઇ વસ્તુનો અભાવ છે એવું કદી લાગ્યું જ નહોતું. શ્રી ચૈતન્ય ચરિતામૃતના રચયિતા શ્રીકૃષ્ણદાસ કવિરાજ એમના ગ્રંથની રચના પૂર્વે લોકનાથ ગોસ્વામીના આશિષ લેવા તેમની પાસે આવ્યા. તેમના ચરણોમાં બેસી વંદન કર્યા તે વખતે લોકનાથ ગોસ્વામીએ તેમને કહ્યું - 'હું આશીર્વાદ તો જરૂર આપીશ, પણ મારી એક શરત છે કે આ ગ્રંથમાં ક્યાંય મારા નામનો ઉલ્લેખ ના થવો જોઇએ અને મારો શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથે કેવો સંબંધ છે તે વિશે પણ લખાવું ના જોઇએ.' આવા લોકેષણારહિત, નિસ્પૃહ સંસારથી અલિપ્ત રહેનારા શ્રી લોકનાથ ગોસ્વામી ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમ ભક્તિ કરતા રહ્યા હતા.