
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધી 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો
મળતા અહેવાલ પ્રમાણે અને અત્યાર સુધી 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. સિઝનમાં રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 5.50 ઈંચ સાથે 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.56 ઈંચ સાથે 33.35 ટકા, સૌરાષ્ટ્રમાં 9.51 ઈંચ સાથે 32.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 187 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં ગત સવારે 6થી આજે પરોઢીયે 4 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં મેઘ મહેર થઈ છે, જેમાં મહેસાણાના કડીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે, વિરમગામમાં 3.5 ઈંચ, ગાંધીનગરના કલોલમાં સરેરાશ 2 ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 2 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 2 ઈચ વરસાદ, તો અન્ય 182 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
40 ઈંચ વરસાદ વરસ્યો તેવો માત્ર એક તાલુકો
40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો છે, આ સિવાય 26 તાલુકામાં 20થી 40ઈંચ, 89 તાલુકામાં 10થી 20ઈંચ, 41 તાલુકામાં 5થી 10ઈંચ અને 5 તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ગયા વર્ષે 29 જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો.