છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. એવામાં વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવરિત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. એવામાં લોકોએ કામધંધા મૂકીને ઘરે રહેવા મજબૂર થવું પડ્યું હતું. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતા યાલ મોવી પુલ વરસાદમાં ધાવાઈ ગયો છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર
નર્મદા જિલ્લામાં સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા સતત ધોધમાર વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી છે., માત્ર બે કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રાજપીપળાના નીચાણવાળા વિસ્તારો જેવા કે દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ અને એમ.વી. રોડ પર ઘૂંટણસમાં પાણી , ભરાયા છે..જેનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પર નોંધપાત્ર અસર થઈ છે. ખાસ કરીને નસવાડી તાલુકામાં ભારે વરસાદને લીધે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. નસવાડીની એસ. બી. સોલંકી વિદ્યામંદિર અને કન્યા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે એસ. બી. સોલંકી વિદ્યામંદિર અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ
નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે, અને અનેક ગામોના રસ્તાઓ બંધ થયા છે. વધુમાં, નસવાડી કન્યા શાળાનું નવું બિલ્ડિંગ હોવા છતાં, ઇજનેરોની બેદરકારીને કારણે બિલ્ડિંગનું સ્તર રસ્તાના સ્તરથી નીચું રાખવામાં આવ્યું, જેના લીધે પાણી ભરાયું છે.
અરવલ્લીના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ
અરવલ્લીના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. વરથુ ગામે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે માર્ગો પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યું હતું. વાહનવ્યવહાર ખોરવાયો અને ખેતરોમાં નુકસાન થયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે.
ઘરમાં ઘુસી ગયા પાણી
નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેને કારણે નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. દર વર્ષે નર્મદા જિલ્લામાં અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે, તેમ છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી. સ્થાનિકોનું કહેવું છે કે, પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે લોકોએ આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
શામળાજી હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાહનોની ગતિ ઘટી ગઈ છે અને મુસાફરોને રોડ પર સાવચેતી રાખવાની જરૂરિયાત છે. છેલ્લા એક કલાકથી હાલોલમાં સતત વરસાદ ચાલી રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકો માટે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થાનિક તંત્ર પણ આ વાતને ધ્યાનમાં લઈને સલામતીના તમામ વ્યવસ્થાઓ કરવા માટે સતર્ક છે.